જામનગરમાં શિક્ષણ સમિતિની રચનામાં વિલંબ કેમ..સો મણનો સવાલ?
અહો વિચિત્રમ: મહાપાલીકાની ચૂંટણી પરિણામના ચાર મહીના બાદ પણ ન.પ્રા.શિક્ષણ સમિતિની ચૂંટણીની પ્રક્રીયા ન થતાં ભારે આશ્ર્ચર્ય
અન્ય શહેરોમાં શિક્ષણ સમિતિનું સુકાન નવી ટીમને સોંપી દેવાયું છે તો જામનગરમાં કયું ગ્રહણ નડે છે તે અંગે તરેહ-તરેહની ચર્ચા
જામનગરમાં મહાનગરપાલીકાની ચૂંટણીના પરિણામના ચાર મહીના બાદ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીની પ્રક્રીયા ન થતાં ભારે આશ્ર્ચર્યની સાથે શિક્ષણ સમિતિની રચનામાં વિલંબ કેમ તે સો મણનો સવાલ ઉઠ્યો છે. અન્ય શહેરોમાં અને જામનગર જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિનું સુકાન નવી ટીમને સોપી દેવાયું છે તો જામનગરમાં કયું ગ્રહણ નડે છે તે અંગે તરેહ-તરેહની ચર્ચાઓ ચાલી રહી છે. શિક્ષણ સમિતિની રચનામાં વિલંબ પાછળ સભ્યોની પસંદગીમાં ખેંચતાણ કે અન્ય કોઇ રાજકીય પરિબળો કારણભૂત છે તે અંગે પણ ગણગણાટ ચાલી રહ્યો છે.
જામનગર મહાનગરપાલીકાની ચૂંટણીનું પરિણામ ગત તા.૨૮-૪-૨૦૨૬ના આવ્યું હતું. પરંતુ મહાપાલીકાની ચૂંટણીના પરિણામ આવ્યાને ચાર મહીના પસાર થવા છતાં હજુ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીની કોઈ પ્રક્રીયા કે ગતિવિધિ ન થતાં શિક્ષણવિદો અને જાણકારોમાં ભારે આશ્ર્ચર્ય ફેલાયું છે. કોર્પોરેશનની ચૂંટણીનું જાહેરનામું ૧ એપ્રિલ ૨૦૨૬ એ જાહેર થયેલ અને આદર્શ આચારસંહિતા અમલમાં આવી હતી. મનપાની ચૂંટણીનું પરિણામ આવ્યાને પણ ચાર મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતાં શિક્ષણ સમિતિની રચના ન થતાં અનેક સવાલ ઉઠ્યા છે. શિક્ષણ સમિતિના અધ્યક્ષ બનવા કેટલાય મુરતિયા ઇચ્છુક હોવા છતાં શિક્ષણ સમિતિની ચૂંટણી પ્રક્રિયા હાથ ન ધરાતા તરેહ તરેહની ચર્ચાઓ પણ ચાલી રહી છે. શિક્ષણ સમિતિ ના સભ્યોની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર કોર્પોરેટરને હોય છે. ચૂંટાયેલ કોર્પોરેટરો શિક્ષણ સમિતિના સભ્યોને ચૂંટે તે પછી તેના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી શિક્ષણ સમિતિ ના ચૂંટાયેલ સભ્યો કરતાં હોય છે. પરંતુ ચાર ચાર મહિનાથી નવા કોર્પોરેટરો ચૂંટાયા બાદ પણ શિક્ષણ સમિતિની ચૂંટણીમાં વિલંબ શા માટે તે સો મણનો સવાલ ઉઠયો છે.
જો કે ગત ટર્મમાં બે વખત ચેરમેનની ચૂંટણી થઈ હતી. વિવાદોના પગલે અઢી વર્ષ બાદ ચેરમેન બદલાયા હતા. ગત ટર્મમાં આચાર્યોની નિયમો વિરુદ્ધ કામગીરી ફેરફારથી બદલી અને પછી તેને રદ કરવા, એસએમસી મારફત જ્ઞાન સહાયકની નિમણૂક, બે શિક્ષકોનું સસ્પેન્શન, ત્રણ શિક્ષકો પર ઈજાફા રોકી બદલી કરવાની સજા, વિધાર્થીની આંખ ફૂટવાની ઘટના, વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મારવાના આક્ષેપો, પટ્ટાવાળાના એરિયર્સ ન ચૂકવવા બદલ કોર્ટ કાર્યવાહી જેવી બાબતો કારણભૂત હતી. ત્યારે ચાલુ વર્ષે શહેરનું શિક્ષણ જગત આતુરતાથી શિક્ષિત અને શિક્ષણમાં રસ ધરાવનાર નેતૃત્વનો ઇંતેજાર કરી રહ્યું છે, પરંતુ શિક્ષણ સમિતિની રચનામાં વિલંબ શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ કોર્પોરેશન અને જામનગર જિલ્લા પંચાયત સહિત કેટલીક જગ્યાએ શિક્ષણ સમિતિનું સુકાન નવી ટીમને સોંપી દેવામાં.આવ્યું છે ત્યારે શહેરમાં પણ શિક્ષણ સમિતિની રચનામાં કયું ગ્રહણ નડે છે તે અંગે સવાલો ઉઠ્યા છે. ગત સમિતિમાં એક સભ્યનું અવસાન થતાં તેમની જગ્યા ખાલી પડી હતી. નિયમો મુજબ ખાલી જગ્યા પર તાત્કાલિક નવા સભ્યની ચૂંટણી કરવાની હોય પણ બંધારણ જોગવાઈ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવ્યું તે પણ સમજની બહાર રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application