જામનગર મહાનગર પાલિકા અને શહેર જિલ્લા યુવા રાજપૂત સંઘ દ્વારા આજે સ્થાપના દિવસની ઉજવણી
જામનગરના 487 માં સ્થાપના દિવસની આજે જામનગરમાં સન્માનભેર ઉજવણી જામનગર મહાનગરપાલિકા અને જામનગર શહેર જિલ્લા યુવા રાજપૂત સંઘ દ્વારા કરવામાં આવી. જામનગરના મેયર સહિતના મહાનુભાવો અને રાજપૂત સમાજ દ્વારા આજે સ્થાપના દિવસની તમામ હાલારવાસીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
અગાઉનું નવાનગર અને હાલનું જામનગર કે જેની સ્થાપના માટે જામનગર શહેરની મધ્યમાં આવેલા દરબારગઢ ખાતે દિલાવર સાયકલ સ્ટોરમાં જામનગરની સ્થાપનાની ખાંભી રાખવામાં આવી છે ત્યાં આજે ખાંભી પૂજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાના મેયર મોનિકાબેન વ્યાસ સહિતના પદાધિકારીઓ તેમજ ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારો તથા મહાનગરપાલિકાના કમિશનર, જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ તમામની ઉપસ્થિતિમાં આજે શાસ્ત્રોકત વિધિથી ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું.
જ્યારે જામનગર શહેર જિલ્લા યુવા રાજપૂત સંઘ દ્વારા પણ આજે સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે દરબારગઢ ખાતે દિલાવર સાયકલ સ્ટોરમાં ખાંભીનું પૂજન કરાયું હતું. જેમાં પૂર્વ રાજ્યમંત્રી અને રાજપૂત સમાજના આગેવાન હકુભા જાડેજા સહિત યુવાનો મોટી સંખ્યામાં ખાંભી પૂજનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે દરબારગઢ ખાતે ખાંભી પૂજન પૂર્ણ કર્યા બાદ જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા જામનગર શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવ ખાતે વિવિધ રાજવીઓની પ્રતિમાને ફુલહાર કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં સાથે આજે આખો દિવસ જામનગરના 487 માં સ્થાપના દિવસની સન્માનભેર અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.