દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૩૯ ગામમાં ગેસ પાઇપલાઇન કામગીરી સામે ખેડૂતોનો વિરોધ
ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કામગીરી તાત્કાલિક સ્થગિત કરવાની કરી માંગ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કંપની દ્વારા વડાલીયા સિંહણથી પાડલી સુધી પ્રસ્તાવિત ગેસ પાઇપલાઇન ની કામગીરીને લઈને ખેડૂતોમાં અસંતોષ સતત વધી રહ્યો છે. જિલ્લાના આશરે ૩૯ ગામોના ખેડૂતો તેમજ વિવિધ ખેડૂત સંગઠનોના આગેવાનો મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને પોતાની માંગણીઓ સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું.
ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ગેસ પાઇપલાઇનની કામગીરી દરમિયાન અનેક સ્થળોએ જમીન માલિકોને અગાઉથી કોઈ લેખિત જાણ કે નોટિસ આપવામાં આવી નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સંમતિ વિના અને યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વગર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના કારણે ખેતી અને ખેડૂતોના હિતોને નુકસાન પહોંચવાની શક્યતા ઊભી થઈ છે.
આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી અસરગ્રસ્ત ખેડૂતોને કાયદેસર અને યોગ્ય વળતર નક્કી કરવામાં ન આવે તેમજ તેમની રજૂઆતોનો યોગ્ય નિકાલ ન થાય, ત્યાં સુધી પાઇપલાઇનની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે. ઉપરાંત જમીન સંપાદન અને વળતરની સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી હતી.
ખેડૂત આગેવાણોએ જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. સમગ્ર મુદ્દે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોની રજૂઆત સ્વીકારી નિયમો મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.