પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજકોટ ડિવિઝનમાંથી કાર્યરત કોલકાતા જતી આવતી ચાર મુખ્ય એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ (સામાન્ય શ્રેણી) કોચની સંખ્યામાં કાયમી વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ સુધારેલી કોચ સંરચનાની વિગત મુજબ, ઓખા- શાલીમાર- ઓખા એક્સપ્રેસ (22905/ 22906)માં જનરલ કોચની સંખ્યા 3 થી વધારીને 4 કરવામાં આવી છે. આ વ્યવસ્થા ઓખાથી 26 એપ્રિલથી અને શાલીમારથી 28 એપ્રિલથી અમલી બનશે.
જ્યારે પોરબંદર- શાલીમાર- પોરબંદર એક્સપ્રેસ (12905/ 12906)માં પણ જનરલ કોચ 3થી વધીને 4 થશે. તેમાં પોરબંદરથી 29 એપ્રિલ અને શાલીમારથી 1 મેથી આ સુવિધા અમલી બનશે.
આ ઉપરાંત પોરબંદર- સિકંદરાબાદ- પોરબંદર એક્સપ્રેસ (20968/ 20967)માં સામાન્ય શ્રેણીના કોચની સંખ્યા 3થી વધારીને 4 કરવામાં આવી રહી છે. આ ફેરફાર પોરબંદરથી 28 એપ્રિલ અને સિકંદરાબાદથી 29 એપ્રિલથી અમલી બનશે. પોરબંદર- સાંતરાગાછી- પોરબંદર એક્સપ્રેસ (12949/ 12950)માં જનરલ કોચની સંખ્યા 2થી સીધી વધારીને 4 કરવામાં આવી છે. આ સુવિધા પોરબંદરથી 1 મે અને સાંતરાગાછીથી 3 મેથી અમલી બનશે. આ પહેલથી ખાસ કરીને સામાન્ય શ્રેણીમાં મુસાફરી કરતા મુસાફરોને મોટી રાહત મળશે અને મુસાફરી વધુ સુલભ અને આરામદાયક બનશે.