જામનગર: ૧૯૯૦ના સોનાની દાણચોરી અને આયાત કેસમાં આરોપીઓની જામીન અરજી નામંજુર
કસ્ટમ વિભાગના સ્પે. પી.પી. જમન ભંડેરીની દલીલો ગ્રાહય રાખતી ખંભાળીયા કોર્ટ
વર્ષ ૧૯૯૦માં જામનગર કસ્ટમ વિભાગ દ્વારા કરવામાં આવેલ સોનાની દાણ ધોરી અંગેની તથા ગેરકાયદેસર રીતે સોનાની આયાત કરવા અંગેના કેસમાં કસ્ટમ વિભાગના સ્પે. પીપ.ની દલીલો ગ્રાહય રાખીને આરોપીઓની જામીન અરજી જામ ખંભાળીયાની એડી.યુ.મેજી.ફસ્ટ કલાસ કોર્ટે નામંજુર કરી છે.
આ કેસની હકીકત એવી છે કે, તા.૦૬/૧૨/૧૯૯૦ નાંરોજ જામનગરનાં કસ્ટમ વિભાગને એવી બાતમી મળેલ કે વહાણ નામે એમ.એસ.વી "સઈફ-અલા" બી.ડી.આઈ-૯૪૬ દાણચોરીનું સોનું લઈને આવી રહયુ છે. જેથી કસ્ટમ વિભાગના અધિકારીઓ તા.૦૬/૧ર/૧૯૯૦ નાંરોજ ભાડાની બોટ કરીને પેટ્રોલીંગમાં નિકળેલ હતા તે દરમ્યાન તા.૦૮/૧૨/૧૯૯૦ નાંરોજ સવારે સલાયા પાસે કાળુભાર ટાપુ ની નજીક એક વહાણ દુબઈ થી આવતુ જણાયેલુ જેથી અધિકારીઓ દ્વારા તે વહાણ ઉભુ રાખવા માટે સીગ્નલ આપી વહાણ ઉભુ રખાવવામાં આવેલ અને વહાણને જામનગરનાં નવા બંદરે લઈ જવા જણાવેલ જેથી ખલાસીઓ તથા ટંડેલ વહાણને જામનગર મુકામે લઈ આવેલ ત્યારબાદ કસ્ટમ વિભાગનાં અધિકારીઓ દ્વારા ખલાસીઓ તથા ટંડેલ ની પુછપરછ કરવામાં આવેલ તે દરમ્યાન ટંડેલ દ્વારા કબુલ કરેલ કે, વહાણનાં એન્જીન નજીક ડીઝલ ની ટાંકીમાં દાણચોરીનું સોનું છે.
જેથી અધિકારી દ્વારા ખલાસીઓની મદદથી ડીઝલની ટાંકી ખાલી કરાવેલી અને ડીઝલની ટાંકી માંથી ૨૭ બેલ્ટ અને ૭ જેકેટ સોનાનાં બીસ્કીટનાં મળી આવેલા. તે પછી ટંડેલ અને ખલાસીઓની અંગ જડતી કરવામાં આવેલ અને ટંડેલનાં ખીસ્સા માંથી દસ રૂપીયાની ભારતીય ચલણ ની નોટ અને એક વિઝીટીંગ કાર્ડ મળી આવેલ અને તેના ઉપર લાધુભાઈ કેશવ લોઢારી, બંદર રોડ, પોરબંદર પ્રિન્ટીંગ થયેલ હતુ તથા ટેલીફોન નંબર લખેલા હતા અને તે આ કેસનાં આરોપી નં.૫ મમુમીયા પંજુમીયા સાથે સંકડાયેલા હતા.
કસ્ટમ વિભાગ દ્વારા સદર દાણચોરીનું સોનું પંચનામું કરીને ટીન બોક્ષમાં મુકી પંચો,ટંડેલ તથા ખલાસીઓની રૂબરૂમાં સોનું જપ્ત કરવામાં આવેલ. ત્યારબાદ તપાસ દરમ્યાન સદર ગુન્હામાં કુલ ૧૭ આરોપીઓનાં નામ ખુલતા વર્ષ ૧૯૯૨ ની સાલમાં કસ્ટમ વિભાગ દ્વારા સોનાની દાણચોરી તથા ગેરકાયદેસર રીતે સોના ની આયાત કરવા અંગે આરોપીઓ વિરૂધ્ધ જામનગરની અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ તથા કેસ ચાલી જતા ૧૭આરોપીઓ પૈકી મળી આવેલ અમુક આરોપીઓ ને જે તે સમયે અદાલત દ્વારા દોષિત ઠરાવી સજા કરવામાં આવેલ હતી.
ત્યારબાદ સદર કેસ હાઈકોર્ટ દ્વારા જામનગરની અદાલતમાં રીમાન્ડ થઈ આવેલ તથા ફરાર આરોપીઓ વિરૂધ્ધ કેસ ચલાવવા હુકમ થઈ આવતા જયુરીડીકશન નાં કારણોસર સદર કેસ જામનગરની અદાલતમાંથી હાલમાં જામખંભાળીયા ની અદાલતમાં ટ્રાન્સફર થતા તે અનુસંધાને અદાલતમાં કસ્ટમ વિભાગ નાં સ્પે.પી.પી જમનકુમાર ભંડેરી દ્વારા ૧૭ આરોપીઓ પૈકી ૮ આરોપીઓ મમુમીયા પંજુમીયા સૈયદ, ઓસમાણ દાઉદ કારા, હુસેન કાસમ સંઘાર, સતાર અબ્બાસ કારા,જાનુસ અબ્દુલ સંઘાર, કાસમ બચુ સંઘાર, રજાક જાકુ મોદી તથા અનવર અયુબ કારા વિરુધ્ધ વોરંટ અરજી આપવામાં આવેલ.
જેથી આરોપીઓ દ્વારા અદાલતમાં જામીન અરજી મુકવામાં આવેલી અને તેની સુનવણી થતા સ્પે.પી.પી દ્વારા રજૂઆત કરવામાં આવેલ કે, છેલ્લા ૨૭ વર્ષ થી આરોપીઓ ફરારની જેમ વર્તન કરેલ હોય કોર્ટમાં કયારેય હાજર રહેલ નથી અને કેસ ને લંબાવવા એક યા બીજી રીતે ટાળવામાં આવેલ છે તેથી લાંબા કાનૂની વિરામ બાદ એટલે કે, વર્ષ ૧૯૯૨ નાં કેસનાં આરોપીઓ વિરૂધ્ધ કેસ ઓપન થતા જામ ખંભાળીયાના એડી.ચીફ કોર્ટનાં ન્યાયધીશ એફ.આર.કોઠારીયાએ સ્પે.પી.પીની દલીલો ગ્રાહય રાખી આરોપીઓની જામીન અરજી રદ કરી જેલ હવાલે કરવા હુકમ કરેલ છે. આ કેસમાં કસ્ટમ વિભાગનાં સ્પે.પી.પી તરીકે જમન કે. ભંડેરી રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application