જામનગર : વોર્ડ નં.૧૧ અને ૧૨માં ૨.૬૯ કરોડના ખર્ચે સરકારી આરોગ્ય કેન્દ્ર બનાવાશે
જામનગરમાં વોર્ડ નં.૧૧ અને ૧૨ માં .૬૯ કરોડના ખર્ચે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવાશે. મનપાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં આ નિર્ણયની સાથે જુદા-જુદા કામ માટે ૧૮.૮૮ કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન અને મેઇનટેનન્સની સમયમર્યાદા બે વર્ષ વધારી ૫.૬૪ કરોડના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક આજરોજ ચેરમેન ધીરેનકુમાર મોનાણીના અઘ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર મોનીકાબેન વ્યાસ સહીત ૧૨ સભ્યો, ડેપ્યુટી કમિશ્ર્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની હાજર રહ્યા હતાંં. આ બેઠકમાં વોર્ડ નં.૫માં લોકભાગીદારીથી સીસી રોડ,પેવર બ્લોકના કામ માટે ૨ કરોડ, વોર્ડ નં.૧૧ માં ૨.૫૦ કરોડ, વોર્ડ નં.૧૨માં ૨.૫૦ કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો. જયારે વોર્ડ નં.૧૧ માં ટીપી સ્કીમ નં.૬ માં તીર્થ રેસીડન્સીગથી રાજમોતી તરફ સીસી રોડ બનાવવા૧.૧૧ કરોડ ખર્ચાશે. જયારે વોર્ડ નં.૧૧માં હાપા ટીપી સ્કીમ નં.૨ પ્લોટ નં.૭૧ પર ૧૦૭.૮૪ લાખ અને વોર્ડ નં.૧૨ માં ઘાંચીવાડ વિસ્તારમાં ૧૬૧.૪૯ લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. તદઉપરાંત ચોમાસાની સીઝન દરમ્યાન મશીનરી સપ્લાયના કામ અંગે ૫ લાખ, સંગમબાગ ઓપરેશન એન્ડ મેઇનટેનન્સના વધારાના કામ અંગે ૪.૭૭ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. જામ્યુકો હસ્તકની પટેલવાડી-રાજપાર્ક મેઇનરોડના છેડે આવેલી જમીન વનવિભાગને સોંપવા ભલામણ સાથે જનરલ બોર્ડમાં મૂકવાનું મંજૂર કરાયું હતું.
સમર્પણ સર્કલથી બેડી બંદર સુધીના ૪૫ મીટર પહોળા ટીપી રોડનો સૈઘ્ધાતીંક સ્વીકાર કરાયો હતો. એમ્યુઝમેન્ટ પાર્કમાં ફુડઝોન શોપ નં.૩ અને ૪ ને પાંચ વર્ષના ઓપરેટીંગ લીઝથી ભાડે આપવાથી કુલ ૧૨.૨૨ લાખની આવકની દરખાસ્ત મંજૂર કરાઇ હતી. જયારે શહેર વિસ્તાર તથા હેડ વર્કસ ઉપરના ખાસ પ્રકારના કા માટે ૧૫.૩૮ લાખ, ભૂગર્ભ શાખા હસ્તકના ૭૦ એમએલડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ચાલુ કામની સમયમર્યાદા ૨ વર્ષ વધારવા અને ૫૬૪.૭૧ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. શહેરમાં વોર્ડ નં.૧ થી ૮ માં ભૂગર્ભ ગટર પાઇપલાઇન નાખવા ૧૦૮.૯૩ લાખ અને વોર્ડ નં.૯ થી ૧૬માં ૧૦૮.૯૩ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. જયારે મનપાના સેવા પેન્શન મેળવતા પેન્શનરોનું મૃત્યુ થયે પેન્શનની બરાબર ઉચ્ચક રકમ ચૂકવવાની દરખાસ્ત ભલામણ સાથે જનરલ બોર્ડમાં મૂકવાનું મંજૂર કરાયું હતું. શિક્ષણ સમિતિની શાળા નં.૪૨ના આધુનિક શાળા નવ નિર્માણ કરવાની દરખાસ્ત પણ ભલામણ સાથે જનરલ બોર્ડમાં મોકલાઇ હતી. બેઠકમાં કુલ ૧૮.૮૮ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.