BREAKING NEWS

હાલારની અતૃપ્ત ધરા પર વરૂણદેવનું હેત: ૩૩ ગામડાઓમાં અડધાથી ચાર ઇંચ વરસાદ

  • July 24, 2026 12:11 PM 

હાલારની અતૃપ્ત ધરા પર વરૂણદેવનું હેત: ૩૩ ગામડાઓમાં અડધાથી ચાર ઇંચ વરસાદ

મોટી બાણુંગાર, બાલંભા, લતીપુર, ભલસાણ, બેરાજામાં  અઢી ઇંચ વરસાદ: કાલાવડ તાલુકાના નવાગામમાં ચાર ઇંચ વરસાદથી ગામમાં પાણી ઘુસ્યા: બામણ ગામની બામણી નદીમાં ઘોડાપુર, એક કાર ફસાઇ: મગફળી અને કપાસના પાકને જીવતદાન

એક તરફ દક્ષિણ ગુજરાત જળબંબાકાર થયુ છે. કપરાડા, ઉમરપાડા, વાસંદા, અમદાવાદ, સહિતનાં ગામોમાં ભારે વરસાદ થયો છે ત્યારે ગઇકાલે મેઘરાજાએ જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસાવીને ખેડુતોને ખુશખુશાલ કર્યા છે. ૩૩ ગામડાઓમાં અડધાથી ચાર ઇંચ વરસાદ પડયો છે. કાલાવડ તાલુકાના નવાગામમાં મેઘાએ દે ધનાધન કરીને ચાર ઇંચ વરસાદ વરસાવતા ગામમાં પાણી ઘૂસી ગયા હતા અને નદીમાં ઘોડાપુર આવ્યા હતા. જયારે બામણ ગામ નજીક બામણી નદીમાં એક કાર પાણીમાં ફસાઇ હતી, જામજોધપુરમાં છકડો રીક્ષા ફસાયો હતો, આમ ગઇકાલનો દિવસ ગામડા માટે સારો રહ્યો હતો. અને મોટા ભાગના ચેક ડેમોમાં નવા નીરની આવક શ‚ થઇ છે. કેટલાક ગામડામાં રાત્રે ર થી સવારે છ સુધી વરસાદ વરસ્યો છે. નદીઓમાં ધીમે ધીમે નીર આવી રહ્યા છે. ખેતરોમાં પણ વાવેતર થયુ છે, તેના ઉપર ગઇકાલે કાચુ સોનુ વરસ્યું છે. 

કાલાવડ તાલુકાની વાત લઇએ તો કાલાવડ તાલુકાના નિકાવામાં બે ઇંચ, ખરેડીમાં ત્રણ ઇંચ, ભલસાણ બેરાજા અઢી ઇંચ, નવાગામ ચાર ઇંચ, મોટા પાંચ દેવડા અઢી ઇંચ, અને મોટા વડાળામાં સાત ઇંચ વરસાદ પડયો છે. 

જામનગર તાલુકાની વાત લઇએ તો વસઇ ૩૦ મી.મી., લાખાબાવળ ૩૫ મી.મી., મોટી બાણુંગારમાં ૬૨, ફલ્લા ૩૨, મોટી ભલસાણ ૩૨, અલિયાબાડા ૩૨, દરેડ ૪૫મી.મી. વરસાદ પડયો છે. ફલ્લાથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો અને દોઢ ઇંચ વરસાદ પડયો હતો. લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી થતા ખેડુતો અને આમજનતામાં ખુશીની લહેર દોડી ગઇછે. 

જોડીયા તાલુકાના હડીયાણામાં ૫૦ મી.મી. બાલંભામાં ૬૫, પીઠડમાં ૫૫, ધ્રોલ તાલુકાના લતીપુરમાં ૬૦, જાલીયાદેવાણીમાં ૧૩ અને લૈયારામાં ૨૧ મી.મી. વરસાદ પડયો છે. જામજોધપુર તાલુકાના સમાણામાં ૧૮, શેઠવડાળા ૨૦, જામવાડી પાંચ, વાંસજાળીયા ૧૫, ધુનડા ૧૮, ધ્રાફા ૨૦, પરડવા ૯તેમજ લાલપુર તાલુકાના પીપરટોડા ૩૬, પડાણા ૧૫, ભણગોર ૧૫, મોટા ખડબા ૮, મોડપર ૭, અને હરિપરમાં ૨૦ મી.મી. વરસાદ પડયો છે.

ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે લગભગ ૨.૪૦ લાખ હેકટરમાં જયાં વાવેતર થયુ છે ત્યાં સારો એવો ફાયદો થશે. મોટા ભાગે કાલાવડ અને જામજોધપુરમાં મગફળી અને કપાસનું વાવેતર વધુ થયુ છે ત્યાં સારો ફાયદો થશે. આમ ગ્રામ્ય પંથક ઉપર મેઘરાજા વરસી પડયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application