BREAKING NEWS

જામનગર: કચ્છથી આવતી હાઇ-ટેન્શન વીજ લાઇન ખેડૂતોની ફળદ્રુપ જમીનને બદલે સરકારી ખરાબામાંથી પસાર કરવા માંગણી

  • July 28, 2026 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કચ્છથી આવતી હાઇ-ટેન્શન વીજ લાઇન ખેડૂતોની ફળદ્રુપ જમીનને બદલે સરકારી ખરાબામાંથી પસાર કરવા માંગણી

આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લાના પ્રમુખે મુખ્યામંત્રીને પત્ર લખી કરી રજૂઆત

જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ એન. રાઠોડ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોના હિતમાં રજૂઆત કરવામાં આવી છે. 

હાલમાં કચ્છ (ભાવડા) ખાતેથી જામનગર તરફ આવી રહેલી નવી ૭૬૫ કેવી તેમજ અન્ય હાઈ ટેન્શન વીજ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ વીજ લાઈનનો જે રૂટ નક્કી કરવામાં આવ્યો છે, તે જામનગર, જોડિયા, મોરબી અને માળિયા તાલુકાના અનેક ગામોના ખેડૂતોની કિંમતી અને ફળદ્રુપ ખેતીની જમીનમાંથી પસાર થઈ રહ્યો છે, જેને લઈને અસરગ્રસ્ત ખેડૂતો વતી મુખ્યમંત્રી સમક્ષ માંગ કરાઈ છે.

પત્રમાં જણાવાયું છે કે, ખેડૂતો માટે તેમની આ ફળદ્રુપ જમીન જ આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત છે. ખેતરોના વચોવચ મોટા હાઈ ટેન્શન ટાવરો ઊભા કરવાથી અને માથેથી પસાર થતી હાઈ વોલ્ટેજ લાઈનોના કારણે ખેડૂતોને કાયમી અને ગંભીર આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. ટાવરના કારણે કિંમતી જમીનના મોટા ટુકડાઓ નકામા બની જશે, જમીનની બજાર કિંમત અડધી થઈ જશે અને ભવિષ્યમાં ત્યાં કોઈ કૂવો, બોર કે અન્ય બાંધકામ પણ થઈ શકશે નહીં.

 ઉપરાંત, ચોમાસા દરમિયાન કે વાવાઝોડા વખતે ફળદ્રુપ ખેતરોમાં આ હાઈ ટેન્શન લાઈનો તૂટવાનો કે શોર્ટ સર્કિટ થવાનો મોટો ભય રહે છે, જે ખેડૂતો, મજૂરો અને પશુધનના જીવ માટે કાયમી આફત સમાન બની શકે છે.

આ ગંભીર સમસ્યાના ઉકેલરૂપે એક વૈકલ્પિક અને સચોટ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. જામનગર, જોડિયા, મોરબી અને માળિયા તાલુકાઓ વિશાળ દરિયાકાંઠો ધરાવે છે, જ્યાં મોટા પ્રમાણમાં સરકારી બંજર (ખરાબાની અને બિન-ઉપજાઉ) જમીન આવેલી છે. જો આ હાઈ ટેન્શન વીજ લાઈનનો રૂટ થોડો ડાયવર્ટ કરીને ખેતરોને બદલે દરિયાકાંઠાની આ સરકારી બંજર જમીનમાંથી પસાર કરવામાં આવે તો ખેડૂતોની મહામૂલી અને ફળદ્રુપ જમીન કાયમી ધોરણે બચાવી શકાશે, સરકારને ખેડૂતોને ચૂકવવા પડતા કરોડો રૂપિયાના વળતરનો મોટો ખર્ચ પણ બચશે અને ખેડૂતોની માલ-મિલકત ભવિષ્યમાં કાયમી ધોરણે સુરક્ષિત રહેશે.

આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિકાસ વિરોધી નથી અને દેશ હિતના ઊર્જા પ્રોજેક્ટ્સનું સન્માન કરે છે, પરંતુ જગતના તાતના હિતમાં આ રૂટ બદલવો અત્યંત આવશ્યક છે. આથી સંબંધિત વીજ કંપનીઓ અને વહીવટી તંત્રને ત્વરિત આદેશ આપી આ વીજ લાઈન ખેડૂતોની જમીનને બદલે દરિયાકાંઠાની સરકારી બંજર જમીનમાંથી નાખવા માટે જરૂરી સર્વે અને યોગ્ય નીતિ વિષયક ફેરફાર કરવા માંગ કરવામાં આવી છે અને ખેડૂત હિતાર્થે સરકાર તરફથી સકારાત્મક અને ત્વરિત નિર્ણયની અપેક્ષા વ્યક્ત કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application