દ્વારકા: ભાડથર નજીક પેટ્રોલ ટેન્કર પલટી જતા ખંભાળીયા પોરબંદર હાઈવે ૧૧ કલાક બંધ
ટ્રક સાથે અથડામણ બાદ પેટ્રોલ લીકેજથી તંત્ર દોડતું થયું, ફાયર અને પોલીસની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા-પોરબંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભાડથર ગામ નજીક મોડી રાત્રે સર્જાયેલી માર્ગ દુર્ઘટનાના કારણે હાઈવે પર લગભગ ૧૧ કલાક સુધી વાહનવ્યવહાર ઠપ્પ રહ્યો હતો. પેટ્રોલથી ભરેલું ટેન્કર અકસ્માતનો ભોગ બનતા રોડ પર મોટા પ્રમાણમાં પેટ્રોલ ફેલાઈ ગયું હતું, જેના કારણે આગ લાગવાની શક્યતાને ધ્યાનમાં રાખી પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક સુરક્ષાત્મક પગલાં લીધા હતા. સમયસરની કામગીરીના કારણે કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના સર્જાઈ નહોતી.
પ્રાથમિક માહિતી મુજબ પેટ્રોલ ભરેલું ટેન્કર ખંભાળીયાથી પોરબંદર તરફ જઈ રહ્યું હતું. દરમિયાન ભાડથર ગામ નજીક અચાનક રસ્તા પર પશુ આવી જતાં ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે ટેન્કર સામેથી આવી રહેલા ટ્રક સાથે અથડાયું અને રોડની વચ્ચે જ પલટી મારી ગયું હતું.
અકસ્માત બાદ ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં પેટ્રોલ લીક થતાં સમગ્ર માર્ગ પર પેટ્રોલ ફેલાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે બંને તરફનો વાહનવ્યવહાર બંધ કરાવી દેવામાં આવ્યો હતો. સાથે જ ફાયર વિભાગની બે ટીમોએ સ્થળ પર પહોંચી પેટ્રોલ લીકેજને કાબૂમાં લેવા અને આગ લાગવાનો ભય દૂર કરવા માટે સતત કામગીરી હાથ ધરી હતી.
પેટ્રોલના લીકેજને કારણે અકસ્માતગ્રસ્ત ટેન્કરને તરત ખસેડવું જોખમી બન્યું હતું. પરિણામે હાઈવેના બંને છેડે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લગભગ ૧૧ કલાક સુધી ચાલેલી બચાવ અને સુરક્ષા કામગીરી બાદ લીકેજ સંપૂર્ણપણે અટકાવવામાં આવ્યું અને ક્રેનની મદદથી ટેન્કર તથા ટ્રકને માર્ગ પરથી હટાવવામાં આવ્યા હતા.ત્યારબાદ હાઈવે પર વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હોવાનું જાણવા મળ્યું છે. તંત્રની સમયસરની કામગીરી અને સાવચેતીના કારણે આગ જેવી ગંભીર દુર્ઘટના ટળી જતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.