BREAKING NEWS

બેટ દ્વારકામાં ઇતિહાસ જીવંત થયો, સમુદ્રના ગર્ભમાં દટાયેલું મળ્યુ ભારતનું પ્રાચીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર

  • May 04, 2026 12:35 PM 

LCB raids gambling den in Khambhaliya: Six arrested, સમુદ્રના ગર્ભમાં દટાયેલું મળ્યુ ભારતનું પ્રાચીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર


કેન્દ્વ સરકારના આર્કીયોલોજી વિભાગની મરીન ટીમને અંડર વોટર સંશોધનમાં સફળતા, રોમન સામ્રાજય સાથે સીધા વેપારી સંબંધના બોલતા પુરાવા


સમુદ્વના તળિયેથી ૨૫૦૦ વર્ષ જૂના અવશેષો સાથે રોમન સિક્કા, વિશાળ કોરિડોર, પથ્થરોથી બનેલા બાંધકામના અવશેષો, સુવ્યવસ્થિત દીવાલો મળી


ભારત સરકારના આર્કિયોલોજી વિભાગની મરીન ટીમ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા અંડરવોટર સર્ચ ઓપરેશન દરમિયાન અંદાજિત ૨૫૦૦ વર્ષ જૂના અત્યંત મહત્વપૂર્ણ પુરાતત્વીય અવશેષો મળી આવ્યા છે. આ અદભુત શોધે ભારતીય ઈતિહાસ અને રોમન સામ્રાજ્ય સહિતના આંતરરાષ્ટ્રીય પ્રાચીન વ્યાપારી સંબંધો પર નવો પ્રકાશ પાડ્યો છે. સમુદ્રના પેટાળમાં વર્ષોથી છુપાયેલા આ અવશેષો ઓખામંડળ વિસ્તારના પ્રાચીન અને વૈભવશાળી ઈતિહાસને ઉજાગર કરે છે, જેનાથી પુરાતત્વવિદો, ઈતિહાસકારો અને વૈજ્ઞાનિકોમાં ભારે ઉત્સાહ અને આશ્ચર્ય ફેલાયું છે.


આર્કિયોલોજી સર્વે ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ યદુબીરસિંગ રાવતે જણાવ્યું છે કે, ભારતીય પુરાતત્વ મરીન ટીમે કરેલા આ સર્ચ ઓપરેશનમાં સમુદ્રના તળિયેથી વિશાળ પથ્થરોથી બનેલા બાંધકામના અવશેષો, લાંબા કોરિડોર જેવી રચનાઓ અને સુવ્યવસ્થિત દીવાલો મળી આવી છે. સમુદ્રના પેટાળમાંથી પ્રાચીન વહાણોના લંગર, માટીના વાસણો (પાટરી) અને રોમન સામ્રાજ્યના સિક્કાઓની છાપ મળી આવી છે. આ અવશેષો સ્પષ્ટપણે સૂચવે છે કે દ્વારકા તે સમયે એક સમૃદ્ધ આંતરરાષ્ટ્રીય બંદર હતું અને વિશ્વના અન્ય દેશો સાથે તેના ગાઢ વ્યાપારી સંબંધો હતા. આ બાંધકામોની સ્થાપત્ય શૈલી દર્શાવે છે કે આ વિસ્તાર અત્યંત વિકસિત અને સુનિયોજિત નગર અથવા એક મોટા બંદર તરીકે અસ્તિત્વ ધરાવતો હોવાની પ્રબળ સંભાવના છે. પાણીમાં આટલા લાંબા સમય સુધી સુરક્ષિત રહેલા બાંધકામો તત્કાલીન સમયની અદભુત સિવિલ ઈજનેરી અને નગર આયોજન ક્ષમતાનો પરિચય કરાવે છે.


વધુમાં સંશોધકોએ જણાવ્યું છે કે, અહીંથી સૌથી મહત્વપૂર્ણ પુરાવા તરીકે રોમન સિક્કા, વિશિષ્ટ આકારના જાર (વાસણો) તેમજ સ્થાનિક માટીના વાસણો મળી આવ્યા છે. આ પુરાવા એ વાતની સચોટ સાબિતી આપે છે કે બેટ દ્વારકા વિસ્તારનો વિદેશી સંસ્કૃતિઓ, ખાસ કરીને રોમન સામ્રાજ્ય સાથે સીધો વેપારી સંબંધ રહ્યો હતો. આ માલસામાન માત્ર રહેણાંક હેતુ માટે નહીં, પરંતુ મોટાપાયે આંતરરાષ્ટ્રીય વેપાર અને માલસામાનના સંગ્રહ તથા સંચાર વ્યવસ્થા માટે ઉપયોગમાં લેવાતો હોવાનું માનવામાં આવે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આ સ્થળ એક ધમધમતા આંતરરાષ્ટ્રીય બંદર તરીકે કાર્યરત રહ્યું હશે, જ્યાં રોમથી આવતા મોટા વહાણો લંગરાતા હશે અને ભારતીય મસાલા, રેશમ તથા કલાકૃતિઓની નિકાસ થતી હશે. પુરાતત્વવિદ ડો. આલોક ત્રિપાઠી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા આ સંશોધનને આગામી સમયમાં હજુ વધુ વ્યાપક બનાવવામાં આવશે.


આ આશ્ચર્યજનક શોધમાં ૧૫૦૦ બીસી (ઈ.સ. પૂર્વે) ના સમયના હડપ્પન કાલીન સંસ્કૃતિ સાથે સામ્યતા ધરાવતા કેટલાક અવશેષો પણ મળ્યા છે. આ અવશેષોમાં તાંબાની વસ્તુઓ બનાવતી મોટી ઈન્ડસ્ટ્રીના પુરાવા મળ્યા છે, જે તે સમયે અહીં થતી વ્યાપારી પ્રવૃત્તિઓની સાક્ષી પૂરે છે. આ સમગ્ર સર્ચ ઓપરેશન અત્યંત પડકારજનક હતું, જેને આધુનિક ટેકનોલોજી અને દેશના નિષ્ણાતોની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આ કામગીરીમાં સ્કુબા ડાઈવિંગ, અંડરવોટર મેપિંગ, સોનાર સિસ્ટમ અને વૈજ્ઞાનિક ફોટોગ્રાફી જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરિયાઈ પ્રવાહોની વચ્ચે પણ આ ટીમે અદભુત સંશોધન કરીને આ અવશેષો શોધી કાઢ્યા છે. હાલમાં દરિયામાંથી મળી આવેલા તમામ અવશેષો, સિક્કા અને અન્ય સામગ્રીનું ઝીણવટપૂર્વક દસ્તાવેજીકરણ કરી વૈજ્ઞાનિક વિશ્લેષણ માટે મોકલવામાં આવ્યા છે.


આર્કિયોલોજી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ તો માત્ર એક શરૂઆત છે, હજુ વધુ રહસ્યો પરથી પડદો હટાવવા માટે આ વિસ્તારમાં મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે. આવનારા સમયમાં આ શોધ ભારતના પ્રાચીન દરિયાઈ ઈતિહાસમાં એક સુવર્ણ અને મહત્વપૂર્ણ અધ્યાય સાબિત થઈ શકે છે. આ શોધ માત્ર દેવભૂમિ દ્વારકા કે ગુજરાત માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારત દેશ માટે ગૌરવની વાત છે, કારણ કે તે આપણા ભવ્ય અને સમૃદ્ધ વૈશ્વિક વારસાને ફરીથી જીવંત કરે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application