BREAKING NEWS

ભાવનગરથી દ્વારકાની 400 કિમીની સાયકલ યાત્રા દરમિયાન જામનગરમાં માજી સૈનિક સંગઠન દ્વારા સાયકલિસ્ટોનું સન્માન

  • November 14, 2026 02:51 PM 

ભાવનગરથી દ્વારકાની 400 કિમીની સાયકલ યાત્રા દરમિયાન જામનગરમાં માજી સૈનિક સંગઠન દ્વારા સાયકલિસ્ટોનું સન્માન

કારગિલ યુદ્ધના વીર યોદ્ધા ભરતસિંહ જાડેજા સહિત માજી સૈનિક સંગઠનના હોદ્દેદારોએ સાયકલ યાત્રીઓને પ્રોત્સાહિત કર્યા

ભાવનગર સાયકલ ક્લબના સભ્યો દ્વારા સાયકલિંગને પ્રોત્સાહન આપવા, લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા તથા ફિટ ઇન્ડિયા અંતર્ગત અને પર્યાવરણના જતનનો સંદેશ ફેલાવવાના હેતુથી ભાવનગરથી દ્વારકા સુધીની અંદાજે 400 કિલોમીટરની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં ભાવનગર સાયકલ ક્લબના કુલ 11 સભ્યો જોડાયા છે, જેઓ ત્રણ દિવસમાં પોતાની યાત્રા પૂર્ણ કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.

યાત્રાના બીજા દિવસે સાયકલિસ્ટો જામનગર પહોંચ્યા હતા. આ દરમિયાન જામનગર ખાતે માજી સૈનિક સંગઠનના હોદ્દેદારો દ્વારા સાયકલ યાત્રીઓનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માજી સૈનિક સંગઠનના હોદ્દેદાર અને માજી સૈનિક ભરતસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ કારગિલ યુદ્ધમાં પણ દેશ માટે લડી ચૂકેલા વીર જવાન છે. તેમની ઉપસ્થિતિએ સાયકલ યાત્રીઓને વિશેષ પ્રેરણા અને ગૌરવની લાગણીનો અનુભવ કરાવ્યો હતો.

આ પ્રસંગે ભરતસિંહ જાડેજા તથા માજી સૈનિક સંગઠનના હોદ્દેદારોએ ભાવનગર સાયકલ ક્લબના સભ્યોની આ અનોખી યાત્રાને બિરદાવી હતી અને તેમને આગળની યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

ભાવનગર સાયકલ ક્લબ દ્વારા સતત સાયકલિંગ પ્રવૃત્તિઓના માધ્યમથી લોકોને રોજિંદા જીવનમાં સાયકલ અપનાવવા, સ્વસ્થ જીવનશૈલી જાળવવા અને પર્યાવરણનું જતન કરવા પ્રેરિત કરવામાં આવે છે. જામનગર ખાતે મળેલા આ સન્માન અને પ્રોત્સાહનથી સાયકલ યાત્રાના સભ્યોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.

દેશની સરહદ પર રહીને માતૃભૂમિની રક્ષા કરનારા વીર જવાનોનું સન્માન કરવું એ દરેક નાગરિક માટે ગૌરવની વાત છે. ભાવનગર સાયકલ ક્લબ દ્વારા માજી સૈનિક સંગઠન અને ભરતસિંહ જાડેજાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application