જામનગર જીલ્લા સહકારી બેંકની મુખ્ય કચેરીનું આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ઉદઘાટન
બેઠક રોડ પર ૨૫ હજાર ચો.ફુટ જમીન પર કરાયું નિર્માણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી પણ વર્ચ્યુઅલી જોડાશે: જિલ્લાના પ્રભારી મંત્રી, જીએસસી બેંકના ચેરમેન, હાલારનાં સાંસદો, ધારાસભ્યો સહિતના રાજકીય અગ્રણીઓ રહેશે ઉપસ્થિત
જામનગર જીલ્લા સહકારી બેંકની મુખ્ય કચેરીની અત્યાધુનિક અને વિશાળ ઈમારત સહકાર ભવનનું ઉદઘાટન કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આજે સાંજે થશે. તેઓ વર્ચ્યુઅલી રીતે આ સમારોહમાં જોડાશે.
આ અંગેની વિગતો આપતાં જામનગર જીલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલે જણાવ્યું છે કે, હાલારના સહકારી ક્ષેત્રના કેન્દ્ર રૂપ આ બેંકની મુખ્ય કચેરી છેલ્લા ૬૭ વર્ષથી જયાં કાર્યરત હતી, ત્યાં જગ્યા ટુંકી પડતાં નવી ઈમારત માટે બોર્ડ ઓફ ડાયરેકટર્સ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ માટે મહાપ્રભુજી બેઠક રોડ પર ૨૫ હજાર ચો.ફુટ જમીન પસંદ કરવામાં આવ્યા પછી ૪૭ હજાર ચોરસ ફુટ બાંધકામ કરવામાં આવ્યું છે. જેમાં ભોંયતળીયું અને ચાર મજલાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં અધતન - વિશાળ લોકરરૂમ તેમજ ખેડુતો-સભાસદો માટે રાત્રી રોકાણની સવલત માટે વાતાનુકુલિત રૂમો અને તેઓને માત્ર રૂા.૫૦ માં શુધ્ધ-સાત્વિક ભોજન મળી રહે તે માટે કેન્ટીનની સગવડ પણ આપવામાં આવી છે અને બેંકની જરૂરીયાત મુજબ અધિકારીઓ-કર્મચારીઓને બેઠક વ્યવસ્થા સાથે સેમિનાર - મીટીંગ માટે અલાયદો વિશાળ હોલ પણ બનાવવામાં આવ્યો છે.
જામનગર જીલ્લા સહકારી બેંકની આ નવનિર્મિત મુખ્ય કચેરીની ભવ્ય ઈમારતનું ઉદઘાટન કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આજે સાંજે ૪-૩૦ કલાકે વર્ચ્યુઅલ ઉપસ્થિતિ સાથે થશે. જેમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણી પણ વર્ચ્યુઅલી જોડાશે.
આ ઉદઘાટન સમારોહમાં જામનગર જીલ્લાના પ્રભારી મંત્રી અને રાજયના વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ કો.ઓ.બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન તેમજ ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકના ચેરમેન અજયભાઈ પટેલ સવિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજયના શિક્ષણ મંત્રી (રાજયકક્ષા) રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, સાંસદ (રાજયસભા) જીતેન્દ્રભાઈ કણઝારીયા, પ્રદેશ ભાજપના સહકારીતા સેલના અધ્યક્ષ બિપીનભાઈ પટેલ (ગોતા), ધારાસભ્યો સર્વ રાધવજીભાઈ પટેલ, પબુભા માણેક, દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, હેંમતભાઈ ખવા, જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી, દ્વારકા જીલ્લા પંચાયતના પ્રમુખ ગૌરીબેન હાથિયા, જામનગરના મેયર મોનીકાબેન વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ ડો.વિનોદભાઈ ભંડેરી, અતિથિ વિશેષ તરીકે આ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
આ સમારોહમાં જોડાવા હાલારના સહકારી અગ્રણીઓ તેમજ ખેડુતો અને જાહેર જનતાને બેંકના ચેરમેન જીતુભાઈ લાલ અને બોર્ડ ઓફ ડાયરેકટર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.