BREAKING NEWS

જામનગરમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ

  • October 05, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં વકીલોની અચોક્કસ મુદતની હડતાલ

ભાડા અધિનિયમ ૨૦૨૬ વાસ્તવમાં વકીલો કરતા પ્રજા અર્થાત પક્ષકારોને વધુ નુકશાનકારક સાબિત થઇ શકે

ન્યાયાલયના ગેઇટની બહાર વકીલોએ એકઠા થઇને સુત્રોચ્ચાર કર્યા: બાર કાઉન્સીલના આદેશ અંતર્ગત દરરોજ વિરોધના જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવશે: વહીવટી તંત્રને અપાયેલી સતાને ગેરબંધારણીય ગણાવવામાં આવી

ભાડા અધિનિયમ ૨૦૨૬ના વિરોધમાં ગુજરાત બાર કાઉન્સીલના આદેશ અંતર્ગત આજથી જામનગરમાં વકીલોએ અચોક્કસની હડતાલ શરૂ કરી છે, ન્યાયાલયની બહાર વકીલો એકત્રિત થયા હતા અને રેન્ટ એકટની વિરૂદ્ધમાં સુત્રોચ્ચાર કર્યા હતા, અત્રે નોંધનીય છે કે ભાડા અધિનિયમ ૨૦૨૬ વાસ્તવમાં વકીલો કરતા જનતાને અર્થાત પક્ષકારોને વધુ અસરકર્તા છે, મતલબ કે પ્રજાના મુદે એડવોકેટ લડત ચલાવી રહ્યા હોવાનું સપાટી પર આવે છે. 

જયારથી કાયદા વિભાગ દ્વારા ગુજરાતમાં રેન્ટ એકટની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ગુજરાત બાર કાઉન્સીલ સહિત રાજયભરનાં વકીલો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. તા.૩ શનિવારના રોજ જામનગર સહિત રાજયભરમાં વકીલોએ કોર્ટ કાર્યવાહીનો સ્વેચ્છિક રીતે બહિષ્કાર કરીને હડતાલ પાડી હતી અને સુત્રોચ્ચાર કર્યા હતા.

આ પછી સાંજે બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તરફથી રાજયભરના વકીલોને આજથી અચોક્કસની મુદતની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે તેના પગલે જામનગરમાં પણ વકિલ મિત્રોએ અચોક્કસ મુદતની હડતાલ શ‚ કરી છે. જામનગર બાર એસો.ના પ્રમુખ ભરતભાઇ સુવા, સેક્રેટરી મનોજભાઇ ઝવેરી દ્વારા વકીલ મિત્રોને એવો સંદેશો આપવામાં આવ્યો છે કે આજે તમામ વકીલો ન્યાયાલયના ગેઇટ પાસે એકત્રિત થશે અને વિરોધ નોંધાવશે જેના પગલે સવારે ૧૧ કલાકે તમામ વકીલો એકઠા થયા હતા, રેન્ટ એકટની વિ‚દ્ધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. આજે સુત્રોચ્ચાર કરાયા ત્યારે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મનોજભાઇ અનડકટ સહિતના એડવોકેટ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ઉપરાંત બાર એસો. દ્વારા એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે જયાં સુધી આ એકટને લઇને કોઇ નિર્ણય ન આવે  અને ગુજરાત બાર કાઉન્સીલ જાહેર ન કરે ત્યાં સુધી બાર એસો. દ્વારા પોતાની રીતે યોગ્ય લાગે એ પ્રકારે લોકશાહીને અનુરૂપ વિરોધના જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવશે, તમામ વકિલ મિત્રોએ સંગઠીત થઇને આ કાયદાનો વિરોધ કરીને વકીલ એકતા પ્રદર્શિત કરવા પણ અપીલ કરવામાં આવી છે. 

ગુજરાત બાર કાઉન્સલના ચેરમેન પી.ડી. પટેલ દ્વારા રાજયનાં તમામ બાર એસો.ને લેખિતમાં ભાડા અધિનિયમ ૨૦૨૬નો વિરોધ કરવા અને ઓચક્કસની મુદતની હડતાલ પાડવા મતલબ કે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવા આદેશ આપવામાં આવ્યો છે. 

ભાડા અધિનિયમ ૨૦૨૬નો વિરોધ શું કામ કરવામાં આવી રહ્યો છે તેની વિગતો મેળવવામાં આવતા જવાબદાર વકીલ મિત્રોએ કહ્યું હતું કે ખરેખર આ નવો કાયદો વકીલો કરતા જનતાને એટલે કે પક્ષકારોને વધુ નુકશાન પહોંચાડી શકે છે મતલબ કે વાસ્તવમાં આ પ્રજાનો મુદો છે. 

રેન્ટ એકટ મુજબ ભાડુઆત અને મકાન માલિક સહિતનાં જે કેસ હશે એ તમામ રેવન્યુ અધિકારીઓ ચલાવશે, સ્વાભાવિક રીતે ન્યાયતંત્ર પાસે આવા કેસ ચાલશે નહીં ત્યારે પક્ષકારોને પુરતો ન્યાય મળશે કે કેમ એ મોટો સવાલ છે. 

વકીલોનું માનવુ છે કે ભાડા અધિનિયમ ૨૦૨૬ વહીવટી તંત્રને એક એવી સંવેદનશીલ સતા આપે છે કે જે વાસ્તવમાં ગેરબંધારણીય છે અને એટલા માટે જ રાજયભરમાં વિરોધ થઇ રહ્યો છે. 

લોકો એવુ માને છે કે રેન્ટ એકટ સામે વકીલો પોતાની ખાતર લડત ચલાવી રહ્યા છે વાસ્તવમાં આવુ નથી ખરેખર પ્રજા એટલે પક્ષકારોના હિત ખાતર વકીલો લડત ચલાવી રહ્યા છે. 

એવી પણ આશા છે કે કદાચ ટુંક સમયમાં આ અધિનિયમ સંબંધે કાયદા વિભાગ તરફથી સર્વ માન્ય નિર્ણય આવી શકે છે કારણકે ગુજરાત બાર કાઉન્સીલ સાથે આજ અથવા કાલમાં જ મુખ્યમંત્રી અને કાયદામંત્રી બેઠક કરવાના છે જેમાં માર્ગ નીકળવાની શકયતા છે કારણકે અચોક્કસની મુદતને હડતાલને કારણે ગુજરાત હાઇકોર્ટ સહિત રાજયની તમામ અદાલતોમાં કાનૂની પ્રક્રિયા પર બ્રેક લાગી ગઇ છે. જેની અસર પડવાની પુરી સંભાવના છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application