જામનગર: ૧૦ ગામને જાડામાં ભેળવવાની પ્રક્રિયા સામે ગ્રામ્ય પ્રજાનો ઉગ્ર રોષ
ચેરમેનને પત્ર લખીને ૧૭ મુદ્દા સાથે વિરોધ નોંધાવાયો: પૂર્વ વિપક્ષી નેતા કાસમ ખફીએ મુખ્યમંત્રીને પત્રની નકલ મોકલી
વસઈ, આમરા, લાખાબાવળ, મસીતીયા, દોઢિયાં, જીવાપર, બાલંભડી, ચંપાબેરાજા, વાવબેરાજા, ગાંડુકાની ગ્રામ્ય પ્રજામાં ભારે ઉચાટ: આગામી દિવસોમાં નવા-જુનીના એંધાણ: પહેલા ગ્રામજનોને સાંભળો, વાંધાસૂચનો મેળવો, એ પછી જ પ્રક્રિયા કરવા ચેતવવામાં આવ્યા.
જામનગર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરોટી દ્વારા તૈયાર કરવામાં આવેલ ડેવલોપમેન્ટ પ્લાન અંગે ગંભીર વાંધા - કાયદેસરની પ્રકિયા, અસરગ્રસ્ત જામીનમાલિકો તથા સામાન્ય જનતાના હિતોને ધ્યાનમાં લીધા વિના તૈયાર કરાયેલ ડી.પી સામે તાત્કાલિક પુનવિચાર તથા જરી કાર્યવાહી કરવા જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા અને સામાજીક કાર્યકર કાસમભાઇ ખફી દ્વારા જાડાના ચેરમેનને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે અને તેની નકલ મુખ્યમંત્રી ઉપરાંત જામનગરના જિલ્લા કલેકટર, ડીડીઓ સહિતના વરિષ્ઠ અધિકારીઓને પણ મોકલવામાં આવી છે.
એમને પોતાના પત્રમાં જણાવ્યું છે કે, હું કાસમભાઈ ખફી, આ પત્ર દ્વારા જામનગર એરિયા ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવેલ હાલના ડેવલોપમેન્ટ પ્લાન અંગે ગંભીર અને સખત વાંધો નોંધાવુ છું:
હાલ રજુ કરવામાં આવેલ ડી.પી માં સમાવેશ ગામો જેવા કે (૧) વસઈ (૨) આમરા (૩) લાખાબાવળ (૪) મસીતીયા (૫) દોઢિયાં (૬) જીવાપર (૭) બાલંભડી (૮) ચંપાબેરાજા (૯) વાવબેરાજા (૧૦) ગાંડુકા. જેવા અનેક ગામો ના ખેડૂતો,જામીનમાલિકો,રહેવાસીઓ તથા અન્ય હિતધારકોના જમીન હિતો અને ભવિષ્યના અધિકારો ઉપર સીધી અને ગંભીર અસર થવાની સંભાવના છે. આવા સંજોગોમાં આ પ્રકારનો ડી.પી. માત્ર નકશા ઉપર રેખાઓ દોરીને અથવા કચેરીય કાર્યવાહી પૂરતી બાબત રહી શકતી નથી. આ એક એવો નિર્ણય છે કે જે હજારો લોકોની મિલકત, જમીનનો ઉપયોગ, રસ્તા, રહેણાંક, ખેતી તથા ભવિષ્યના વિકાસ ઉપર લાંબા સમય સુધી અસર કરી શકે છે.
મારી મુખ્ય ગંભીર રજૂઆત આ મુજબ છે:
(૧) હાલનો ડેવલપમેન્ટ પ્લાન અમને કબૂલ કે મંજૂર નથી, હાલ રજૂ કરવામાં આવેલ ડેવલપમેન્ટ પ્લાનને હું સંપૂર્ણપણે અસ્વીકારું છું અને તેના સંબંધમાં સખત વાંધો નોંધાવું છું. જે જમીનમાલિકો અને ખેડૂતોની જમીન ઉપર સીધી અસર થવાની છે, તેમના હિતોનું પૂરતું રક્ષણ કર્યા વિના અને તેમની વાસ્તવિક રજૂઆતો સાંભળ્યા વિના ડી.પી.ને આગળ વધારવો યોગ્ય નથી.
(ર) જમીન સંપાદન એક્ટ-૨૦૧૩ મુજબ સંપાદન કરવા અંગે કોઈ ઠરાવો કે જાણકારી પ્રસિદ્ધ કરેલ નથી જે કરવા માંગણી છે.
(૩) સદરહુ વિકાસ નકશો-૨૦૪૭ યોજનામાં ૧૦ ગામોના ચૂંટાયેલા સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો કે જિલ્લા પંચાયતના સદસ્યોને કે ગ્રામજનોને અથવા જાહેર જનતાને આ યોજનાની કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવેલ નથી, તે જાણ થવી જોઇએ.
(૪) જામનગર જિલ્લા પંચાયત દ્વારા બનાવેલ પ્લાન મુજબના ડામર રોડ જે પ્રધાનમંત્રી સડક યોજના બનાવેલ છે જે શહેર ને જોડતા તથા એક ગામથી બીજા ગામને જોડતા આ યોજનામાં દર્શાવેલ નથી, તે સુધારો થાય.
(પ) રાજાશાહી વખતના સંઘમાર્ગ તરીકે ઓળખાતા જે નુકશામાં દર્શાવેલ છે તે હાલમાં ખેડૂતના સીમાડાના રસ્તા કે એક ગામને બીજા ગામ સાથે જોડતો નોન પ્લાન રોડ આ યોજનામાં કે આ નકશામાં દર્શાવેલ નથી.
(૬) ખેડૂતની જમીન તેના પરિવારની આજીવિકા સાથે સીધી રીતે જોડાયેલી હોય છે. રસ્તા, રિઝર્વેશન, જાહેર સુવિધા, ઝોનિંગ અથવા અન્ય કોઈ પ્રસ્તાવના કારણે ખેતીની જમીનનો ઉપયોગ મર્યાદિત થતો હોય તો તેની અસરનું યોગ્ય મૂલ્યાંકન કર્યા વિના નિર્ણય લેવો ગંભીર બાબત છે.
(૭) ૧૦ ગામોમાં વસવાટ કરતા જુના ગામતળ માં વર્ષોથી વસવાટ કરતા ૭૫ ટકા વસ્તી આ વિસ્તારમાં રહેણાક મકાનો અનઅધિકૃત જગ્યામાં આવા મકાન બાંધીને રહે છે એ માટે એ લોકોને રેગ્યુલાઇઝડ કરવાની પણ જરિયાત હોઈ તેથી આ માંગણીને ધ્યાન માં રાખી આ યોજનામાં આવા લોકોના મકાનો કોઈ ગંભીર અસર ન થાય અને ઘરવિહોણા લોકો ન રહે તેની ખાસ ધ્યાન રાખવામાં આવે.
(૮) સરકારી જમીનો ઉપર સરકારી સ્કૂલો ગૌચરમાં પણ છે, રહેણાંક મકાનો પણ છે, ધાર્મિક જગ્યાઓ પણ છે,ક્યાંક સ્મસાન અને ક્યાંક કબ્રસ્તાન માટે હેતુફેર કરીને કાયદેસર કરવામાં આવે
(૯) વાંધા-સૂચનો માત્ર કાગળ ઉપરની કાર્યવાહી બની ન રહે. અસરગ્રસ્ત લોકો પાસેથી વાંધા-સૂચનો માંગવામાં આવે અને ત્યારબાદ તેને માત્ર ઔપચારિકતા તરીકે ફાઇલમાં મૂકી દેવામાં આવે.
(૧૦) કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન જરૂરી જે વ્યક્તિની મિલકત અથવા કાયદેસર હિત સમાયેલા હોય એમને તાત્કાલિક અસરથી સાંભળી પુન: વિચાર કરવામાં આવે. જો કોઈ અસરગ્રસ્ત વ્યક્તિને પૂરતી જાણકારી અથવા યોગ્ય તક આપવામાં આવી ન હોય તો તેની અસરવાળી જોગવાઈઓ અંગે પુન:વિચારણા કર્યા વિના આગળની કાર્યવાહી કરવી યોગ્ય રહેશે નહીં.
(૧૧) તમામ દસ્તાવેજો અને નકશા જાહેર કરવામાં આવે સમગ્ર ડી.પી.નો અંતિમ/પ્રસ્તાવિત નકશો, ગામવાર અને સર્વે નંબરવાર અસરગ્રસ્ત જમીનની વિગતો, રોડ, રિઝર્વેશન અને જાહેર હેતુ માટે દર્શાવેલ જમીનની વિગતો,ઝોનિંગની સંપૂર્ણ વિગતો, પ્રાપ્ત થયેલા વાંધા-સૂચનોની સંખ્યા અને વિગતો,વાંધા-સૂચનો ઉપર કરવામાં આવેલી કાર્યવાહી/નિર્ણયની વિગતો, ડી.પી. તૈયાર કરવાની પ્રક્રિયામાં થયેલી તમામ સંબંધિત બેઠકો અને કાર્યવાહીનું રેકોર્ડ, લાગુ પડતી કાયદાકીય જોગવાઈઓ તથા નિયમો હેઠળ થયેલી કાર્યવાહીનો વિગતવાર અહેવાલ આપવામાં આવે.
(૧ર) અંતિમ મંજૂરી સુધી અસરગ્રસ્ત લોકોના હિતોનું રક્ષણ કરવામાં આવે જ્યાં ગંભીર વાંધાઓ પેન્ડિંગ હોય અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હોય ત્યાં અસરગ્રસ્ત જમીનમાલિકોના હિતોને નુકસાન થાય તેવી રીતે કોઈ અંતિમ અથવા કાર્યવાહી ન કરવામાં આવે.
(૧૩) ડી.પી.માં જરૂરી સુધારા કરવામાં આવે જો તપાસમાં જણાય કે કોઈ રસ્તો, રિઝર્વેશન, ઝોનિંગ અથવા અન્ય પ્રસ્તાવથી ખેડૂતો/જમીનમાલિકોને બિનજરૂરી અથવા અયોગ્ય નુકસાન થાય છે, તો તે બાબતનો સર્વે નંબરવાર પુનર્વિચાર કરી યોગ્ય સુધારો કરવામાં આવે.
(૧૪) જાહેર જનતાને વિશ્વાસમાં લીધા વિના વિકાસ આયોજન સ્વીકાર્ય નથી વિકાસનો અમારો વિરોધ નથી. પરંતુ વિકાસના નામે સામાન્ય નાગરિક, ખેડૂત અને જમીનમાલિકના કાયદેસર હિતોને અવગણવામાં આવે તે કોઈપણ રીતે સ્વીકાર્ય નથી. કોઈ જોગવાઈથી બિનજરૂરી નુકસાન થતું હોય તો તેને સુધાર્યા વિના આગળ વધારવું જાહેર હિતમાં નહીં ગણાય.
મારી સ્પષ્ટ માંગણીઓ છે કે...
(૧૫) હાલના ડેવલપમેન્ટ પ્લાન અંગે અસરગ્રસ્ત લોકોના તમામ વાંધા-સૂચનો ફરીથી યોગ્ય રીતે મેળવવામાં આવે. દરેક અસરગ્રસ્ત ગામમાં જરૂરી હોય ત્યાં જાહેર સુનાવણી/જનસભા યોજવામાં આવે. અસરગ્રસ્ત જમીનમાલિકોને પૂરતી અને અસરકારક જાણ કરવામાં આવે. સર્વે નંબર/બ્લોક નંબરવાર ડી.પી.ની અસર જાહેર કરવામાં આવે, બિનજરૂરી અસર દૂર કરવા ડી.પી.માં જરૂરી સુધારા કરવામાં આવે. ડી.પી. તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાનો રેકોર્ડ જાહેર કરવામાં આવે.
અંતમાં લખ્યું છે કે પત્રને માત્ર સામાન્ય રજૂઆત તરીકે નહીં પરંતુ જાહેર હિત, ખેડૂતોના હિત તથા અસરગ્રસ્ત જમીનમાલિકોના કાયદેસર હકોના રક્ષણ માટેનો સત્તાવાર વાંધો ગણવામાં આવે. હાલનો ડી.પી. જે રીતે રજૂ કરવામાં આવ્યો છે તે સ્થિતિમાં અમને કબૂલ કે મંજૂર નથી. તેમાં રહેલી તમામ અસરકારક જોગવાઈઓની કાયદેસરતા, પ્રક્રિયા, જાહેર જાણ, વાંધા-સૂચનો અને અસરગ્રસ્ત લોકોની રજૂઆતોની યોગ્ય તપાસ કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવે. જો ઉપરોક્ત મુદ્દાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે, તો અસરગ્રસ્ત નાગરિકો તથા જમીનમાલિકોના હિતમાં લાગુ પડતા કાયદા હેઠળ સક્ષમ સત્તાધિકારી સમક્ષ રજૂઆત તથા જરૂરી કાયદેસર કાર્યવાહી કરવાનો અધિકાર અનામત રાખવામાં આવે છે.