દેવભૂમિ દ્વારકા: દિવાળી પર્વે દ્વારકાધીશ જગતમંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું
યાત્રિકો હકડેઠઠ: હોટલ, ગેસ્ટ હાઉસ હાઉસફૂલ
પ્રકાશના પર્વ દિવાળીના આગમન સાથે જ યાત્રાધામ દ્વારકામાં ઉત્સવનો માહોલ જામ્યો છે. ભગવાન દ્વારકાધીશના જગતમંદિરને આકર્ષક અને કલાત્મક રોશનીથી શણગારવામાં આવ્યું છે. રંગબેરંગી ડેકોરેટિવ લાઈટ્સની ઝાકમઝોળથી મંદિરની ભવ્યતા અનેકગણી વધી ગઈ છે.
દ્વારકાથી આશરે ૧૦ કિલોમીટર દૂરના વિસ્તારોમાંથી પણ રાત્રિના સમયે જગતમંદિરની આ મનમોહક રોશની નિહાળી શકાય છે. દિવાળીના પર્વે દ્વારકાધીશના દર્શનાર્થે આવી રહેલા શ્રદ્ધાળુઓ મંદિરની દિવ્ય સજાવટ નિહાળીને ભાવવિભોર બની રહ્યા છે. જગતમંદિર ઉપરાંત તેની સાથે સંકળાયેલા અન્ય મંદિરો, ધાર્મિક સ્થળો, શહેરના મુખ્ય વિસ્તારો તેમજ હોટલ અને ગેસ્ટહાઉસોને પણ આકર્ષક લાઈટિંગથી શણગારવામાં આવ્યાં છે.
દિવાળીના વેકેશનને ધ્યાનમાં રાખીને દ્વારકા અને બેટ દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટવાની શક્યતા છે. હોટલ અને ગેસ્ટહાઉસોમાં નવા વર્ષના સમયગાળા દરમિયાન અત્યારથી જ મોટા પ્રમાણમાં બુકિંગ નોંધાયાં છે. શાળાઓમાં જાહેર કરાયેલા વેકેશનના પગલે આશરે પખવાડિયા સુધી યાત્રાધામમાં યાત્રિકો અને સહેલાણીઓનો ધસારો રહેવાની સંભાવના છે.
દ્વારકા ઉપરાંત નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચ, હર્ષદ-ગાંધવી અને ગોપી તળાવ સહિતનાં ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની ચહલપહલ વધશે. સુદર્શન સેતુ પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ બન્યો છે. સેતુના નિર્માણથી બેટ દ્વારકાની યાત્રા સરળ બની હોવાથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ અહીં પહોંચશે તેવી આશા છે. બીજી તરફ શિયાળાની શઆત સાથે શિવરાજપુર બીચ પર સ્કૂબા ડાઇવિંગ અને બેટ દ્વારકામાં ડોલ્ફિન નિહાળવાની પ્રવૃત્તિઓનો માહોલ પણ જામશે. પ્રવાસીઓના વધતા પ્રવાહને પગલે ઓખામંડળના હોટલ સંચાલકો, વેપારીઓ અને સ્થાનિક વ્યવસાયિકોમાં સારા વેપારની આશા જાગી છે.
દિવાળીના પર્વની ધાર્મિક ઉજવણીના ભાગરૂપે દ્વારકાધીશ જગતમંદિરમાં આવતીકાલે ધનતેરસની વિશેષ પૂજા-અર્ચના યોજાશે. ધનતેરસના દિવસે ધન્વંતરિ દેવની પૂજા અને ધનપૂજાનું વિશેષ મહત્ત્વ હોવાથી મંદિરમાં પણ પરંપરાગત રીતે ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે દ્વારકાધીશ ઠાકોરજીને લીલા રંગના વાઘા ધારણ કરાવવામાં આવશે. મંદિરના વારાદાર પૂજારીઓની પરંપરા અનુસાર ધનતેરસના દિવસે લીલા રંગને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે.
આથી ઠાકોરજીને ધરાવવામાં આવતા ભોગમાં પણ લીલા રંગની વિવિધ વાનગીઓનો સમાવેશ કરવામાં આવશે. ઉપરાંત ઠાકોરજીનો વિશિષ્ટ શૃંગાર અને મનોરથ પણ યોજાશે. આ દિવ્ય દર્શનનો લાભ હજારો ભાવિકો પ્રત્યક્ષ રીતે લેશે, જ્યારે ઓનલાઈન માધ્યમથી દેશ-વિદેશના લાખો કૃષ્ણભક્તો પણ ઘરબેઠાં દર્શનનો લાભ મેળવી શકશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application