"જામનગર વાંચતુ મજાથી" પહેલ અંતર્ગત જામનગર જિલ્લાની 369 સરકારી શાળાઓ અને 685 આંગણવાડીઓમાં પ્રિન્ટ અને ડિજિટલ લાઇબ્રેરીઓ દ્વારા વિશેષ પ્રોજેક્ટનો પ્રારંભ
જામનગર જિલ્લા કલેકટર પી.બી. પંડયાએ કલેકટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં “વાંચન વાટિકા કીટ”નું વિમોચન કર્યું
સમગ્ર શિક્ષા અભિયાન થકી શાળાઓ અને આંગણવાડીઓમાં શિક્ષણની ભાષાને અનુરૂપ 1000થી વધુ પુસ્તકાલયો સ્થાપવામાં આવશે
પુસ્તકનું દરેક પાનું બાળક માટે એક નવી દુનિયા ખોલે છે: કલેકટર
જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જામનગર જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં જામનગર વાંચતુ મજાથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જામનગર વાંચતું મજાથી કાર્યક્રમનો ઉદ્દેશ બાળકોમાં વાંચન પ્રત્યે રસ જગાડવો, તેમની જિજ્ઞાસા વૃત્તિ, કલ્પનાશક્તિ અને સ્વતંત્ર રીતે સર્જન કરવાની ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે જેમાં વર્ષ 2026-27ના પ્રથમ તબક્કામાં આ કાર્યક્રમ જામનગર અને લાલપુર બ્લોકની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં શિક્ષણની ભાષાને અનુરૂપ 1000 પુસ્તકાલયોની સ્થાપના કરવામાં આવશે. ઉપરાંત જિલ્લા અને બ્લોક સ્તરે વાંચનમેળા જેવા કાર્યક્રમો અને પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે.
કાર્યક્રમમાં જામનગર જિલ્લા કલેક્ટર પી. બી. પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દિપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા અને મહાનુભાવો દ્વારા “વાંચન વાટિકા”નું વિમોચન કરવામાં આવ્યું હતું. જેના થકી જામનગર જિલ્લાની 369 પ્રાથમિક શાળાઓ અને 685 આંગણવાડીઓમાં લટકતું પુસ્તકાલયની મદદથી વિદ્યાર્થીઓમાં વાંચન, સર્જન અને શીખવાનું પ્રોત્સાહક આનંદદાયી વાતાવરણ પૂરું પાડવામાં આવશે.
આ જ પ્રયત્નોને આગળ વધારતા સમગ્ર શિક્ષા અભિયાન, આઇસીડીએસ, પ્રથમ બુક્સ, નાયરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના CSR સહયોગ તથા CSPC (ટાટા ટ્રસ્ટ્સની એક પહેલ) ના અમલીકરણ સહયોગથી જામનગર જિલ્લાની સરકારી શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રોમાં પુસ્તકાલયોની સ્થાપના કરીને બાળકોમાં વાંચન, જિજ્ઞાસા, કલ્પનાશક્તિ અને સ્વતંત્ર રીતે સર્જન ક૨વાની ક્ષમતાઓ વિકસાવવા માટે એક વ્યાપક પહેલ શરૂ કરી રહ્યું છે. જામનગર જિલ્લામાં પ્રસ્તાવિત આ રીડિંગ ઇન્ટરવેન્શન કાર્યક્રમ આગામી ત્રણ વર્ષ સુધી રાજ્ય સરકારના માર્ગદર્શન અને સહયોગથી અમલમાં મૂકવામાં આવશે. તેના પ્રથમ તબક્કા હેઠળ કાર્યક્રમની શરૂઆત જામનગર અને લાલપુર બ્લોકથી કરવામાં આવશે. આ પહેલ અંતર્ગત દરેક શાળામાંથી એક શિક્ષક તથા પસંદ કરાયેલા આંગણવાડી કાર્યકરોને બાળકો સાથે પુસ્તકોનો સર્જનાત્મક અને અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તાલીમ આપવામાં આવશે.
ડિજિટલ માધ્યમ થકી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં નવીન ડિજિટલ તથા પ્રિન્ટ માધ્યમો દ્વારા વાંચનની સંસ્કૃતિનું નિર્માણ કરવું, શાળાઓમાં ઉપલબ્ધ ટેકનોલોજી અને ડિજિટલ માળખાનો ઉપયોગ કરીને વિવિધ માધ્યમોમાં વાંચનને પ્રોત્સાહન આપવું. ધોરણ 1 થી 5 માટે StoryWeaver પ્લેટફોર્મ પર વિશિષ્ટ વાંચન કાર્યક્રમ વિકસાવવામાં આવશે.ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં વયાનુરૂપ ચિત્રકથાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને શિક્ષકો માટે તાલીમ મોડ્યુલ ઉપલબ્ધ રહેશે.શિક્ષકો માટે ક્ષમતા વિકાસ વર્કશોપ અને તાલીમ યોજાશે.
કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પી.બી. પંડયાએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં આ અભિયાન થકી પ્રાથમિક શાળાઓના ધો.1 થી ધો.8 ના બાળકો તથા આંગણવાડીના બાળકોમાં શિક્ષણ સાથે સર્જનાત્મકતાનો પણ વિકાસ થશે. વિદ્યાર્થીઓ જે શીખશે તેનો જીવનમાં અમલ કરશે. તે આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બનશે. શિક્ષણનો સાચો અર્થ માત્ર પરીક્ષામાં સારા ગુણ મેળવવાનો નથી, પરંતુ જીવનમાં સારા મૂલ્યો, શિસ્ત, જવાબદારી અને સામાજિક સંવેદનશીલતા વિકસાવવાનો છે. ત્યારે વાંચન વાટિકાના પુસ્તકોમાં આકર્ષક ચિત્રો અને કલરફૂલ લખાણ હોવાથી વિદ્યાર્થીઓમાં પણ વાંચન પ્રત્યે રુચિ કેળવાશે. પુસ્તકનું દરેક પાનું બાળક માટે એક નવી દુનિયા ખોલે છે. કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર વિમલ ચૌધરી, નાયરા એનર્જી લિમિટેડના હેડ અમર કુમાર, પ્રથમ બુક્સના CEO હિમાંશુ ગિરી, શિક્ષણ વિભાગ (CSPC)ના અધ્યક્ષ રીના, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર નૂપુર પ્રસાદ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, આંગણવાડી કાર્યકરો વગરે ઉપસ્થિત રહ્યા હતા.