BREAKING NEWS

સમગ્ર ગુજરાતમાં જામનગર આઈ.ટી.આઈ. એ શ્રેષ્ઠતા માટે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું

  • May 11, 2026 06:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સમગ્ર ગુજરાતમાં જામનગર આઈ.ટી.આઈ. એ શ્રેષ્ઠતા માટે ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું

ગાંધીનગર ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરાયો

શૈક્ષણિક ગુણવત્તા, પ્લેસમેન્ટ અને સામાજિક પ્રવૃત્તિઓના ૩૦ માપદંડોમાં જામનગર આઈ.ટી.આઈ.એ ૧૫૦માંથી ૧૨૭ ગુણ મેળવ્યા હતા

જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા એ સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્ણ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને શહેર તેમજ જિલ્લાનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે. વર્ષ ૧૯૫૭થી કાર્યરત આ સંસ્થા છેલ્લા અનેક દાયકાઓથી કુશળ માનવબળ તૈયાર કરવા અને રોજગારલક્ષી શિક્ષણ ક્ષેત્રે પાયાનું યોગદાન આપી રહી છે, જેનું ઉત્કૃષ્ટ પરિણામ આજે રાજ્ય કક્ષાના આ બહુમાન દ્વારા જોવા મળ્યું છે.

ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા તથા મંત્રી  કાન્તીભાઈ અમૃતિયાના હસ્તે સંસ્થાને આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિભાગના સચિવ લોચન સેહરા, રોજગાર અને તાલીમ નિયામક નીતિન સાંગવાન, અધિક નિયામક એન. બી. રાજપૂત તેમજ ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનના નિયામક કે. જે. રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.ની પસંદગી માટે કુલ ૩૦ જેટલા વિવિધ કઠિન માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા હતા, જેમાં સંસ્થાની સફાઈ, તાલીમની ગુણવત્તા, ઓન જોબ ટ્રેનિંગ, એફિલેશન, ડ્યુઅલ સિસ્ટમ ઓફ ટ્રેનિંગ અને તાલીમાર્થીઓના પાસ આઉટ રેશિયો જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ પાસાઓમાં ૧૫૦ ગુણમાંથી ૧૨૭ ગુણ મેળવીને જામનગર આઈ.ટી.આઈ.એ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સંસ્થા દ્વારા માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ માટે થેલેસેમીયા ટેસ્ટ, બ્લડ ડોનેશન કેમ્પ, કેન્સર અવેરનેસ સેમિનાર, વૃક્ષારોપણ અને વિવિધ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ જેવા રચનાત્મક કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ માટે ગીર, નરારા અને પોલો ફોરેસ્ટમાં શૈક્ષણિક શિબિરો તેમજ ફાયર સેફ્ટી અને સિવિલ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવી હતી.

ITI જામનગરમાં હાલ આશરે ૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઓટોમોબાઈલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર, કેમિકલ અને સિવિલ જેવા વિવિધ ટેકનિકલ ક્ષેત્રોમાં તાલીમ મેળવી રહ્યા છે. આધુનિક ઉદ્યોગોની જરૂરિયાતને સમજીને સંસ્થા દ્વારા ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ’ અને ‘ફાયર ટેકનોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી મેનેજમેન્ટ’ જેવા અત્યાધુનિક કોર્સો પણ શરૂ કરવામાં આવ્યા છે.વિદ્યાર્થીઓને અહીં કારકિર્દી બનાવવાની ઉત્તમ તક મળી રહે છે અને આગામી સમયમાં નવા સત્ર માટેની પ્રવેશ પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે.આ સંસ્થા માત્ર તાલીમ આપવા પૂરતી સીમિત નથી, પરંતુ અહીંના વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દેશની પ્રતિષ્ઠિત કંપનીઓમાં રોજગારી મેળવે તે માટે અહીંનું પ્લેસમેન્ટ સેલ પણ સતત કાર્યરત રહે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application