BREAKING NEWS

દ્વારકા: નાગેશ્ર્વર મંદિર-હોટલ માલિકને બદનામ કરી ખંડણી માંગવાના કેસમાં દ્વારકાના પત્રકારની જામીન અરજી નામંજુર

  • July 28, 2026 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: નાગેશ્ર્વર મંદિર-હોટલ માલિકને બદનામ કરી ખંડણી માંગવાના કેસમાં દ્વારકાના પત્રકારની જામીન અરજી નામંજુર

દ્વારકાના સુપ્રસિદ્ધ નાગેશ્વર મંદિર અને એક હોટેલ સંચાલકને કથિત રીતે ખોટા સમાચારો દ્વારા બદનામ કરી ખંડણી માંગવાના કેસમાં આરોપી પત્રકાર હર્ષિતભાઈ દામોદરભાઈ જાખરીયાની જામીન અરજી દ્વારકાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે નામંજૂર કરી છે.

કોર્ટ સમક્ષ સરકારી વકીલ બામણીયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આરોપીએ સમાચારની સત્યતા ચકાસ્યા વિના ફરિયાદી તથા નાગેશ્વર મંદિરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના આશયથી ખોટા આક્ષેપો પ્રસિદ્ધ કર્યા હતા. રજૂઆત મુજબ, આવા સમાચાર પ્રકાશિત ન કરવા બદલ અગાઉ ફરિયાદી પાસેથી રૂ. ૨ લાખની રકમ મેળવી હતી અને ત્યારબાદ વધુ રૂ​​​​​​​. ૫ લાખની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદીને જાનથી મારી નાખવાની તેમજ વાહન ચડાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

સુનાવણી દરમિયાન બચાવ પક્ષે અગાઉ ફરિયાદીએ પોલીસમાં કાર્યવાહી ન કરી હોવાનું કારણ રજૂ કર્યું હતું, પરંતુ કોર્ટે આ દલીલ સ્વીકારી નહોતી. કોર્ટે પોતાના અવલોકનમાં જણાવ્યું હતું કે અગાઉ કાર્યવાહી ન થતાં આરોપીને ફરીથી આવા કૃત્ય કરવા પ્રોત્સાહન મળ્યું હોવાનું પ્રાથમિક રીતે જણાય છે. કોર્ટે એ બાબતની પણ નોંધ લીધી હતી કે આરોપી સામે વર્ષ ૨૦૨૧ દરમિયાન પણ ખંડણીનો એક ગુનો નોંધાયેલો હોવાનું રેકોર્ડ પર છે.

કોર્ટે પોતાના આદેશમાં વધુમાં જણાવ્યું હતું કે આવા ગંભીર પ્રકારના ગુનામાં આ તબક્કે જામીન આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જઈ શકે છે. ઉપરાંત ટ્રાયલ દરમિયાન આરોપીની હાજરી, તેમજ સાક્ષીઓ અને પુરાવાઓ સાથે ચેડાં થવાની શક્યતાને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. આ તમામ પરિસ્થિતિઓને આધારે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ. એ. શેખે તા. ૨૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ અદાલતમાં આરોપીની જામીન અરજી ફગાવવાનો હુકમ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં દ્વારકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૫૧(૩), ૩૫૩, ૩૫૬ અને ૩૦૮(૫) હેઠળ બિનજામીનપાત્ર ગુનો નોંધાયો છે. જામીન અરજી (CRMA​​​​​​​-૩૩૯-૨૦૨૬) અંગેના આદેશમાં કોર્ટે નોંધ્યું હતું કે આરોપીના કથિત કૃત્યોથી નાગેશ્વર મંદિર તથા યાત્રાળુઓને સેવા આપતી હોટલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application