જામનગરમાં ધનતેરસના પાવન પર્વે ધન્વંતરી મંદિરે ઔષધ-આરોગ્ય પૂજન: મહાલક્ષ્મી મંદિરમાં કનકધારા-અભિષેક
દીપોત્સવી પર્વમાળાના પ્રથમ દિવસ એટલે કે ધનતેરસના પાવન અવસરે છોટી કાશી તરીકે ખ્યાતનામ જામનગર શહેરમાં ધાર્મિક ઉલ્લાસ સાથે ભક્તિમય માહોલ છવાયો હતો. આયુર્વેદની વૈશ્વિક ધરોહર સમાન જામનગરમાં આયુર્વેદ યુનિવર્સિટી પરિસર સ્થિત ઐતિહાસિક ભગવાન ધન્વંતરિના મંદિરે વહેલી સવારથી જ ધન્વંતરિ જયંતિ નિમિત્તે વિશેષ વૈદિક અનુષ્ઠાન યોજાયા હતા. જેમાં વૈદ્યો, આયુર્વેદાચાર્યો અને ભાવિકો દ્વારા સમસ્ત માનવજાતના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યની કામના સાથે અમૃત કળશધારી ભગવાન ધન્વંતરિનું ષોડશોપચાર પૂજન, પંચામૃત અભિષેક, વિવિધ ઔષધીય વનસ્પતિઓ અને તુલસીપત્ર અર્પણ કરી ધન્વંતરિ હોમ કરવામાં આવ્યો હતો.
આ સાથે જ શહેરના સુપ્રસિદ્ધ શ્રી મહાલક્ષ્મી માતાજીના મંદિર તેમજ લક્ષ્મીનારાયણ મંદિરોમાં ધન-ધાન્ય અને સમૃદ્ધિની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મીજીનું કમળ પુષ્પ, ગુલાબ અને સુગંધિત દ્રવ્યો વડે કનકધારા સ્તોત્રના ગાન સાથે વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. મંદિરોમાં માતાજીને દિવ્ય શૃંગાર સજાવી વિશેષ અન્નકૂટ અને નૈવેદ્યમાં ગોળ-ધાણા ધરાવી મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં નગરજનોએ દર્શનનો લાભ લીધો હતો.
બીજી તરફ શહેરના સોની બજાર, ચાંદી બજાર સહિતના વ્યાપારી સંકુલો અને ઘરોમાં પણ લક્ષ્મી-કુબેરજી તેમજ નવા ખરીદેલા સુવર્ણ-રજત સિક્કાઓ અને ચોપડાનું વિધિવત પૂજન કરી વેપાર-રોજગારમાં બરકત રહે તેવા આશીર્વાદ મેળવ્યા હતા. જ્યારે સંધ્યાકાળે પરિવારો દ્વારા અકાળ મૃત્યુના નિવારણ અને સુરક્ષાના સંકલ્પ સાથે ઘરના ઉંબરે દક્ષિણ દિશા તરફ મુખ રાખી શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર યમદીપ દાન પ્રગટાવવામાં આવશે,જેથી સમગ્ર જામનગરમાં ધન, આરોગ્ય અને આધ્યાત્મિક પ્રકાશ સાથે દિવાળીના મહાપર્વનું ભવ્ય મંગલાચરણ થાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application