કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જોડિયા ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ અને એન.એફ.ડી.પી. રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો 

  • May 26, 2025 06:36 PM 

કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જોડિયા ખાતે કિસાન ક્રેડિટ કાર્ડ અને એન.એફ.ડી.પી. રજીસ્ટ્રેશન કેમ્પ યોજાયો 

મંત્રીના હસ્તે ૫૦ પગડીયા માછીમારોને લાયસન્સ આપવામાં આવ્યા 

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માછીમારોને સાગરખેડૂનું બિરુદ આપી તેઓનો આર્થિક વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી : મંત્રી

જામનગર જીલ્લાના જોડિયા તાલુકામાં રાજ્યના કૃષિ,પશુપાલન,ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કિસાન ક્રેડીટકાર્ડ અને એન.એફ.ડી.પી. રજીસ્ટ્રેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં મંત્રીના હસ્તે ૫૦ જેટલા પગડિયા માછીમારોને લાયસન્સ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનો દરિયા કિનારો લાંબો હોવાથી મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ગુજરાત આગળ છે. જામનગરનો દરિયાકિનારો ૧૭૦ કિમી લાંબો છે. જીલ્લાના ૬ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો પૈકીનું એક જોડિયા છે. અહી મોટાભાગે માછીમારી સાથે સંકળાયેલો સમુદાય છે. માછીમારોની ઓળખ ઉભી થાય તે માટે તેઓને આઈડી પ્રૂફ તરીકે એન.એફ.ડી.પી.(નેશનલ ફીશરીઝ ડીજીટલ પ્લેટફોર્મ) પૂરું પાડવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માછીમારોને સાગરખેડૂનું બિરુદ આપી તેઓનો આર્થિક વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. રાજ્યના બંદરો, જેટી, માછીમારોના સ્થળોનો વિકસે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
 

કેન્દ્ર સરકાર દ્વારા “ક્લાઇમેન્ટ રેઝીલીએન્ટ કોસ્ટલ ફીશરમેન વીલેજીસ” (CRCFV) અંતર્ગત ગુજરાત રાજ્યના ૮ ફીશરમેન વીલેજ પસંદ કરવામાં આવેલ છે. જેમાં જામનગર જિલ્લાના બે બંદર જોડીયા અને સચાણા પસંદ કરવામાં આવેલ છે. જે અંતર્ગત પ્રતિ ગામ દીઠ ૨ કરોડ રૂપીયા કેન્દ્ર સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. જેમાં જોડીયા ખાતે આવેલ હયાત જેટીનુ સમારકામ, હાઇમાસ્ટ ટાવર, સોલર સ્ટ્રીટ લાઇટ, બંદર પર વર્કીંગ શેડ તથા માછીમારી બોટોમાં બેટરી ચાર્જીંગ માટે સોલર પ્લેટ જેવા કામ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, નેશનલ ફિશરીઝ ડિજીટલ પ્લેટફોર્મ (NFDP) ની શરૂઆત હાલમાં ચાલી રહેલી પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના (PM-MKSSY) હેઠળ કરવામાં આવી છે, જે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) ની પેટા યોજના છે. NFDP માં દરેક માછીમાર નોંધણી કરાવી શકશે અને આમાં નોંધણી કર્યા બાદ તે આ અંગેનુ પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકશે. નોંધણી કરનાર માછીમારોને સરકારની વિવિધ યોજના વગેરેની માહીતી પણ SMS મારફત મળશે. NFDP માં નોંધણી કરાવવા માટે https://nfdp.dof.gov.in/nfdp/#/  પર જવાનું રહેશે.


આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના સદસ્ય ધરમશીભાઈ ચનિયારા, અગ્રણીઓશ્રી જેઠાલાલભાઈ, ભરતભાઈ દલસાણીયા, પ્રવીણભાઈ મારવડીયા, દામજીભાઈ ચનીયારા, અકબરભાઈ પટેલ, રસિકભાઈ ભંડેરી, વલ્લભભાઈ કોઠી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તથા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જે. પી. તોરણીયા દ્વારા પ્રાસંગિક પ્રવચન અને મત્સ્યોદ્યોગ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. લીડ બેન્કના મેનેજર પટેલ દ્વારા કિસાન ક્રેડીટ કાર્ડ વિષે માહિતી આપવામાં આવી હતી તથા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક જે.બી.બારડ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. 
​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application