BREAKING NEWS

જામનગરમાં ભાડા અધિનિયમ-૨૦૨૬ના વિરોધમાં વકીલોની હડતાલ: કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત

  • October 03, 2026 11:57 AM 

જામનગરમાં ભાડા અધિનિયમ-૨૦૨૬ના વિરોધમાં વકીલોની હડતાલ: કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત

​​​​​​​ગુજરાત ભાડા અધિનિયમ-૨૦૨૬ વિધાનસભામાં પસાર કરવામાં આવ્યા બાદ તેના કેટલાક મુદ્દાઓ સામે સમગ્ર રાજ્યના વકીલ મંડળોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આ રાજ્યવ્યાપી વિરોધના ભાગરૂપે આજે શનિવારે જામનગરના વકીલોએ પણ એક દિવસ માટે કોર્ટની ન્યાયિક કાર્યવાહીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. નવા કાયદા હેઠળ અત્યાર સુધી કોર્ટ પાસે રહેલી કેટલીક સત્તાઓ ફિક્સિંગ ઓથોરિટી તેમજ રેન્ટ ટ્રિબ્યુનલને સોંપવાની અને તે અંગે નવી નિમણૂકો કરવાની જોગવાઈ કરવામાં આવી હોવાનો વકીલ મંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ જોગવાઈઓને લઈને જામનગર સહિત રાજ્યભરના વકીલ મંડળો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ અગાઉ જામનગરના વકીલ મંડળ દ્વારા અન્ય વકીલ મંડળો સાથે રહી જામનગર જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી આ મુદ્દે રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યવ્યાપી વિરોધના ભાગરૂપે આજે જામનગર બાર એસોસિએશનના વકીલો ન્યાયિક કામગીરીથી સંપૂર્ણપણે અળગા રહ્યા હતા. જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત એસ. સુવા તથા સેક્રેટરી મનોજ ઝવેરીના માર્ગદર્શન હેઠળ જામનગર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલોએ કોર્ટ કાર્યવાહીમાં ભાગ ન લઈને વિરોધ નોંધાવ્યો હતો. વકીલ મંડળ દ્વારા જણાવાયું હતું કે ભાડા અધિનિયમ-૨૦૨૬ની વિરોધાત્મક જોગવાઈઓ અંગે રાજ્યના વકીલોની રજૂઆતોને ધ્યાને લેવામાં આવે તેવી માંગ સાથે આ વિરોધ કરવામાં આવ્યો છે. જામનગરના વકીલ મંડળે રાજ્યના અન્ય વકીલ મંડળોના સમર્થનમાં જોડાઈ આજે કોર્ટ કાર્યવાહીથી અળગા રહી નવા કાયદાની જોગવાઈઓ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application