જામનગરમાં જન્મ-મરણ નોંધણીના કેસો અંગે વકીલમંડળની કલેક્ટરને રજુઆત
પ્રજાહિતના પ્રશ્ર્નો ઉકેલવાની સાથે તાત્કાલિક હુકમ કરી નિકાલ કરવા માંગણી
જામનગર બાર એસોસિએશન દ્વારા જન્મ-મરણ નોંધણી અંગેના કેસોમાં અરજદારો અને ગરીબ, મધ્યમ વર્ગના પક્ષકારોને પડતી મુશ્કેલીઓ ધ્યાને લઈ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, જન્મ-મરણની સમયસર નોંધણી ન થઈ હોય તેવા કિસ્સાઓમાં અગાઉ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કેસો દાખલ કરવામાં આવતા હતા. બાદમાં ગુજરાત સરકારના નોટિફિકેશન મુજબ આ સત્તા મામલતદારને આપવામાં આવી હતી, જેના અનુસંધાને અરજદારો દ્વારા શહેર અને ગ્રામ્ય મામલતદાર કોર્ટમાં કેસો દાખલ કરવામાં આવ્યા હતા.
સરકારના નવા જાહેરનામા પહેલા મામલતદાર દ્વારા આ કેસોમાં અખબારમાં જાહેર નોટિસ/વિજ્ઞપ્તિ પ્રસિદ્ધ કરવા હુકમો કરાયા હતા. આ હુકમના પાલન માટે ગરીબ, નાના અને પછાત વર્ગના પક્ષકારોએ અખબારોમાં નોટિસ છપામણી માટે હજારો પિયાનો ખર્ચ કર્યો હતો તેમજ વકીલો રોકીને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
જામનગર બાર એસોસિએશન દ્વારા પ્રજાહિતમાં મુખ્યત્વે ત્રણ મહત્વની માંગણીઓ કરવામાં આવી છે જેમાં મુખ્યત્વે જે કેસોમાં અખબારી નોટિસો છપાઈ ચૂકી છે અને હજારો રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે, તેવા પેન્ડિંગ કેસો તાત્કાલિક ધોરણે મે. શહેર અને ગ્રામ્ય મામલતદાર દ્વારા ચલાવીને તેનો નિકાલ કરવામાં આવે, જેથી પક્ષકારોને ફરીથી મોટો ખર્ચ ન કરવો પડે અને તેમના નાણાં તથા કિંમતી સમયનો બગાડ અટકે, તદઉપરાંત દાખલ થયેલા તમામ કેસોમાં પક્ષકારોને ફરીથી નવેસરથી કેસ દાખલ કરવાની ફરજ પાડવામાં ન આવે.
તેમજ જો મામલતદાર કચેરી ખાતે ચાલુ કેસોનો નિકાલ શક્ય ન હોય, તો આ કેસોને નામદાર કોર્ટ સાથે સંકલન કરી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ઉયાફિળિંયક્ષિ)ં તરફ ટ્રાન્સફર કરવામાં આવે. જેથી અરજદારો વહીવટી પ્રક્રિયામાં અટવાય નહીં અને તેમને ફરીથી ડ્રાફ્ટિંગ, ફાઇલિંગ કે અખબારી પ્રસિદ્ધિનો બિનજરૂરી ખર્ચ ન કરવો પડે તે સહિતના પ્રજાના પ્રશ્ર્નો અંગે આવેદનપત્રમાં માંગ કરાઇ છે.
જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ એસ. સુવા અને સેક્રેટરી મનોજ એસ. ઝવેરી સહિત સીનીયર વકીલો, તેમજ હોદ્દેદારો દ્વારા પ્રજા અને અરજદારોના હિતમાં આ મુદ્દે યોગ્ય અને ઝડપી કાર્યવાહી કરવા કલેક્ટરને રજુઆત કરી છે.