BREAKING NEWS

જામનગર: ફલ્લા-કાલાવડ બાયપાસ માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો હેરાન-પરેશાન

  • August 03, 2026 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ફલ્લા-કાલાવડ બાયપાસ માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો હેરાન-પરેશાન

જામનગર નજીક આવેલા ફલ્લા ગામથી કાલાવડ તરફ જતો મહત્વનો બાયપાસ રોડ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગ પરથી પસાર થવું એટલે જીવના જોખમે મુસાફરી કરવા જેવી સ્થિતિ સર્જાઈ છે. રોડ પર ચોમેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેના કારણે દૈનિક અવરજવર કરતા વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનો ભારે હેરાન-પરેશાની ભોગવી રહ્યા છે.

ચૂંટણી સમયે માત્ર વોટબેંક સાચવવા માટે રાજકીય પ્રતિનિધિઓ અને તંત્ર દ્વારા આ રસ્તા પર વેઠ ઉતારીને માત્ર કામચલાઉ થિગડાં મારી દેવામાં આવ્યા હતા. પરંતુ પ્રથમ વરસાદ કે સામાન્ય વપરાશમાં જ આ કામચલાઉ ડામર ઉખડી ગયો છે અને રસ્તો ફરીથી નરકાગાર બની ગયો છે.

આ અંગે આસપાસના ગ્રામજનો, વાહનચાલકો અને જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત તંત્ર અને લોકપ્રતિનિધિઓને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પરિણામ શૂન્ય જ આવ્યું છે.અધિકારીઓ અને નેતાઓની ઘોર ઉપેક્ષાને કારણે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

જો કોઈ મોટો અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ? તેવો સવાલ ઉઠાવીને સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર દ્વારા હવે કોઈ કામચલાઉ થીગડાં મારવાને બદલે તાત્કાલિક ધોરણે આ સમગ્ર રોડનું નવેસરથી મજબૂત સપાટીકરણ (નવીનીકરણ) કરવામાં આવે. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application