જામનગર: જલારામ જયંતિ નિમિત્તે હાપામાં ૧૦૮ દિવડાની મહાઆરતી: હજારો લોકો ઉમટયા
છોટી કાશી તરીકે પ્રચલિત જામનગરમાં સંતશિરોમણી પુ. જલારામબાપાની ૨૨૭મી જન્મજયંતીની ગઈકાલે રઘુવંશી સમાજ દ્વારા ભારે ધામધૂમ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. જલારામ જયંતી મહોત્સવ સમિતિના નેજા હેઠળ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક, સામાજિક અને સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે રાત્રિના સમયે હાપા સ્થિત જલારામ મંદિરે ૧૦૮ દીવડાની ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત સાધના કોલોની સ્થિત જલારામ મંદિરે પણ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.
જલારામ જયંતીના પાવન અવસરે જામનગરમાં સવારથી જ ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. રઘુવંશી સમાજ દ્વારા ગૌમાતાને ઘાસ અને લાડુ અર્પણ કરવા, સમૂહ ભોજન, જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ, થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સૌપ્રથમ સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ માટેનું માસ્તાન ભોજન પ્રસાદ, ત્યારબાદ સમસ્ત લોહાણા સમાજની ૨૮મી નાતના આયોજનમાં પણ મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.
દરમિયાન રાત્રિના સમયે હાપા સ્થિત પૂજ્ય જલારામબાપાના મંદિરે ૧૦૮ દીવડાની મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગરના જલારામ સેવા સમિતિના અગ્રણી રમેશભાઈ દતાણી, જામનગર લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઈ મોદી, ઉપરાંત મનોજભાઈ અમલાણી સહિતના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં જલારામ ભક્તોની ઉપસ્થિતિમાં મહાઆરતી કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિશ્વવિક્રમી રોટલાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વિશાળ રોટલાને અન્નકૂટના સ્વરૂપમાં ભક્તોને દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાપ્રસાદ તરીકે તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભક્તોએ ભાવપૂર્વક દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો.
બીજી તરફ સાધના કોલોની સ્થિત જલારામ મંદિરે પણ જન્મજયંતીની ઉજવણી નિમિત્તે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પણ મોટી સંખ્યામાં જલારામ ભક્તો ઉમટી પડ્યા હતા અને હજારોની સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.
જન્મજયંતીની ઉજવણી નિમિત્તે હાપા અને સાધના કોલોની સ્થિત બંને જલારામ મંદિરોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યાં હતાં. રોશનીથી ઝળહળતાં મંદિરો, ભક્તોની ભારે ભીડ, આરતીના નાદ અને પ્રસાદ વિતરણના કાર્યક્રમોથી સમગ્ર શહેરમાં જલારામબાપાની જન્મજયંતીનો ઉત્સવ ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application