જામનગરમાં ૫૭૬ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ગિરફતાર
રબ્બાની પાર્કમાં એસઓજીનો દરોડો : ૩૩,૮૦૦નો મુદ્દામાલ કબ્જે
જામનગર શહેરમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી.ની ટીમે મોરકંડા રોડ પર આવેલા રબ્બાની પાર્ક વિસ્તારમાં દરોડો પાડી રહેણાંક મકાનમાંથી ૫૭૬ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે ગાંજાની કિંમત ૨૮,૮૦૦ તથા એક મોબાઈલ ફોન મળી કુલ ૩૩,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.તાજેતરમાં શહેરના સુમેર કલબ રોડ પર હોટલમાંથી બે પંજાબી શખ્સ ડ્રગ્સ સાથે પકડાયા હતા અગાઉ પણ મેઘપર વિસ્તારમાં ડ્રગ્સની હેરફેરનું નેટવર્ક ખુલ્યુ હતું. આમ જામનગર શહેર-જીલ્લામાં નશીલા પદાર્થની હેરફેર બાબતે સધન તપાસ આદરવામાં આવી છે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર અને નશાખોરીને ડામવા માટે નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન હેઠળ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર તથા એ.વી. ખેરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન એસ.ઓ.જી.ના કર્મચારીઓ ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, જયેશભાઈ પઢેરિયા અને વિજયભાઈ કારેણાને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરકંડા રોડ પર આવેલા રબ્બાની પાર્કની રબ્બાની સોસાયટીમાં શેરી નંબર-૭, મકાન નંબર-૮માં રહેતો ગુલામહાજી મમદગોસ શેખ પોતાના રહેણાંક મકાનમાં બહારથી ગાંજો મંગાવી તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે.
આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે દર્શાવેલા મકાનમાં દરોડો પાડતાં ગુલામહાજી મમદગોસ શેખ પાસેથી ૫૭૬ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ૨૮,૮૦૦ની કિંમતનો ગાંજો અને ૫,૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ ૩૩,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી લીધો હતો.
આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુમેર કલબ રોડ પર ડ્રગ્સનો જથ્થો કબ્જે કરાયો હતો અને બે પંજાબી શખ્સને પકડી લેવામાં આવ્યા હતા અગાઉ પણ મેઘપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હેરોઇન સહિતનો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આમ જામનગર પંથકમાં છાસવારે નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણનું નેટવર્ક ખુલ્લુ પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે. પકડાયેલા શખ્સની વધુ પુછપરછ માટે તપાસની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application