જામનગર જિલ્લાના જોડીયા નજીક ભાદરા ગામના પાટીયા પાસે ડાયવર્ઝન નહી દેખાતાં કારને નડેલા અકસ્માતમાં એક યુવાનનું મોત
આઈટીઆઈ કોલેજ પાસે પુલના કામ દરમિયાન સર્જાયો અકસ્માત: ઉર્ષમાં જતા ધ્રોલના યુવાને જીવ ગુમાવ્યો હોવાથી પરિવારમાં માતમ છવાયો
જામનગર જિલ્લાના જોડીયા નજીક આઈટીઆઈ કોલેજ પાસે પુલના કામ દરમિયાન બનાવવામાં આવેલા ડાયવર્ઝન પાસે સર્જાયેલા કાર અકસ્માતમાં એક યુવાનનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં કાર અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ ધ્રોલના ફતેહપુરા સોસાયટી વિસ્તારમાં રહેતા ઇકબાલભાઈ જીકરભાઈ ભલાયા દ્વારા જોડિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે તેમનો પુત્ર મુસ્તફારજા ઇકબાલભાઈ ભલાયા, (ઉંમર વર્ષ ૨૦) ગત રાત્રે પોતાના પાડોશી હારૂનભાઈ હમીરાણીની જીજે-૧૦-ઈસી-૩૫૪૩ નંબરની ફોરવ્હીલ કાર લઈને જોડીયા ખાતે ગુલાબશા પીરના ઉર્ષમાં જવા નીકળ્યો હતો.
દરમિયાન જોડીયા-ભાદરા રોડ પર આવેલ આઈટીઆઈ કોલેજ નજીક પુલનું કામ ચાલી રહ્યું હોવાથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું.
રાત્રિના અંધારાના કારણે ડાયવર્ઝન દેખાયું નહીં હોવાથી કાર સીધી પુલના કામ તરફ જતી રહી હતી અને અકસ્માત સર્જાયો હતો.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા મુસ્તફારજાને સારવાર માટે જોડીયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ની કલમ ૧૯૪ મુજબ નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મૃતક ના પરિવારમાં માતમ છવાયો છે.