જામનગર: મોટી ખાવડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધને ગંભીર ઇજા
પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ આદરી
જામનગર-ખંભાળિયા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે વૃદ્ધ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત સર્જી્ વાહનચાલક ફરાર થઈ જતાં પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જોગવડ ગામના રાણીશીપ વિસ્તારમાં રામાપીર મંદિર પાસે રહેતા અને વેપાર કરતા લાલજીભાઈ તેજાભાઈ પરમાર (ઉ.વ. ૫૪)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના કુટુંબી ભાઈ કરશનભાઈ જેઠાભાઈ પરમાર (ઉ.વ. ૮૦), જે ભંગાર વીણી ગુજરાન ચલાવે છે, તેઓ તા. ૩ ઓગસ્ટની રાત્રિએ ભંગાર વીણવા માટે ઘરેથી નીકળ્યા હતા.
દરમ્યાન મેઘબપર સીમ રોડ પર રાત્રે આશરે ૧૨ વાગ્યાના સુમારે કોઇ અજાણ્યા વાહનચાલકે પુરઝડપે અને બેદરકારીથી ચલાવી કરશનભાઇને ઠોકર મારી ગંભીર ઇજા પહોચાડી હતી. આ અંગેની જાણ થતા સ્થળ પર દોડી જઇ ૧૦૮ મારફત સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દરમ્યાનમાં લાલજીભાઇ દ્વારા ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં અજાણ્યા વાહનચાલક સામે અકસ્માત સર્જીને નાશી ગયાની ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા વાહનચાલકની શોધખોળ આદરવામાં આવી છે.