BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા : બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન અંગે લેવાના પગલા જાહેર કરાયા

  • August 21, 2026 05:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા : બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન અંગે લેવાના પગલા જાહેર કરાયા 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોને બિનરાસાયણિક પદ્ધતિઓ દ્વારા જમીનજન્ય રોગોનું વ્યવસ્થાપન અંગે લેવાના પગલા જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા નીચે મુજબ જાહેર કરાયા છે.

 દર વર્ષે એક જ જમીનમાં એકના એક પાકનું વાવેતર ન કરતા બીજા પાકોનું વાવેતર કરવું જેથી જમીનજન્ય રોગો જેવા કે સુકારો, મૂળનો કોહવારો, થડનો સડો, ગંઠવા કૃમિ જેવા રોગોનું વ્યવસ્થાપન થઈ શકે. મગફળીના પાકમાં થડના કોહવારાનું પ્રમાણ ઘટાડવા કપાસ, ઘઉં, મકાઈ, જુવાર, ડુંગળી અને લસણ જેવા પાક સાથે ફેરબદલી કરવાની ભલામણ છે.

સંપૂર્ણ કોહવાયેલ, ગળતીયા છાણીયા ખાતર, લીંબોળી તથા દિવેલીનો ખોળ, રાયડાનો ખોળ કે મરઘાં-બતકાના ખાતરનો વપરાશ વધારવો જેથી જમીનનું પોત સુધરે તેમજ રોગમાં ઘટાડો થાય. મગફળીમાં થડના કોહવારા માટે વાવણી પહેલાં દિવેલીના ખોળને ૭૫૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે તથા કપાસમાં જમીનજન્ય ફૂગથી થતા રોગો જેવા કે ધરૂનું મૃત્યુ, મૂળખાઈ અને સુકારાના નિયંત્રણ માટે છાણીયું ખાતર હેક્ટરે ૧૦ ટન અથવા પ્રેસમુડ અથવા મરઘાનું ખાતર ૨ ટન પ્રતિ હેક્ટરે વાવેતર પહેલાં જમીનમાં આપવાથી રોગોનું પ્રમાણ ઘટાડી શકાય છે.

રોગપ્રતિકારક જાતોના વાવેતરનો આગ્રહ રાખવો.
જે તે પાકમાં રોગને ધ્યાનમાં રાખી પિયતના પાણીનું નિયમન કરવું. દિવેલા, તમાકુ, કપાસ અને તુવેરના પાકમાં જમીનજન્ય ફૂગથી થતો મૂળખાઈ રોગની તીવ્રતા જમીનનું તાપમાન વધારે હોય તેવા કિસ્સામાં વધુ હોય છે. આવા કિસ્સામાં પાકને સમયસર પિયત આપવું હિતાવહ છે.

જમીન જન્ય ફૂગથી થતા રોગ (ઉગસૂક, સુકારો, ધરૂનો કોહવારો, થડનો કોહવારો, મૂળનો કોહવારો) અને કેટલાક બીજજન્ય રોગોના અટકાયત માટે જૈવિક નિયંત્રકો જેવા કે ટ્રાયકોડર્મા વિરીડી, ટ્રાયકોડર્મા હરજીયાનમ, સ્યુડોમોનાસ ફ્લુરેસેન્સનો ઉપયોગ (૮ થી ૧૦ ગ્રામ/કિ.ગ્રા. બીજ) કરવો. ઘણા રોગકારકો જમીનમાં રહેતા હોઈ તેના નિયંત્રણ માટે ૧ કિ.ગ્રા. ટ્રાયકોડર્માને ૧૦ કિ.ગ્રા. છાણિયા ખાતરમાં ભેળવી અને વિકસવા દેવું. આવું તૈયાર કરેલ ૧૦ કિ.ગ્રા. છાણિયું ખાતર ૧૦૦ કિ.ગ્રા. બીજા છાણિયા ખાતરમાં ભેળવીને જમીનમાં આપવાથી જમીનજન્ય રોગોનું નિયંત્રણ કરી શકાય છે.  

મગફળીમાં થડનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ૫ કિ.ગ્રા ટ્રાયકોડર્મા હરજીયાનમ અથવા ટ્રાયકોડર્મા વીરીડી ૨૫૦ કિ. ગ્રા. દિવેલી/રાયડાના ખોળ સાથે ભેળવીને વાવતા પહેલા ચાસમાં આપવું અથવા ટ્રાયકોડર્મા ૫ કિ.ગ્રા. પ્રતિ હેક્ટરે માટી સાથે ભેળવી ચાસમાં આપવું.  

દિવેલામાં સૂકારો તેમજ મૂળનો કોહવારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ ૫ કિ.ગ્રા.ને પણ ૫૦૦ કિ.ગ્રા. રાયડાના ખોળ સાથે ભેળવીને ચાસમાં આપવું.  

તુવેરમાં સૂકારો રોગના જૈવિક નિયંત્રણ માટે ટ્રાયકોડર્મા હરજીયાનમ ૮ થી ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બિયારણ પ્રમાણે પટ આપવો તેમજ છાણિયાં ખાતરમાં વૃદ્ધિ પામેલ ટ્રાયકોડર્મા ૨૦૦ ગ્રામ પ્રતિ મીટર પ્રમાણે ચાસમાં આપવાથી રોગનું નિયંત્રણ થાય છે, જેમ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application