’PM’ નો જન્મદિન: જામનગરમાં મેગા સર્વરોગ નિદાન કેમ્પ-રક્તદાન શિબિર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનનાં અનુસંધાને ચાલી રહેલ સેવા સંકલ્પ અભિયાન તેમજ આજે જામનગર-દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમના જન્મદિન નિમિતે ઓશવાળ સેન્ટર ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ અને રકતદાન શિબિર જેવી સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિવર્ષની જેમ મીની હોસ્પિટલ ઉભી કરાઇ હતી, દરેક વિભાગના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત હતા, બીજી તરફ સર્વક્ષેત્રના ઉપસ્થિત મહાનુભાવોએ સાંસદને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી, સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી ચર્તુભુજદાસજી ઉપસ્થિત રહીને આશીર્વાદ આપ્યા હતા.
આ કાર્યક્રમમાં મેયર મોનિકાબેન વ્યાસ, જિ.પં. પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, મેઘજીભાઇ ચાવડા, શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, જિલ્લા પ્રમુખ વિનુભાઇ ભંડેરી, જિલ્લાનાં પ્રભારી ધનસુખભાઇ ભંડેરી, દેવભૂમિ દ્વારકાના સંગઠનના હોદેદારો, શહેરનાં નગરસેવકો અને સંગઠનના તમામ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રિલાયન્સના વા.પ્રેસીડન્ટ ધનરાજભાઇ નણવાણી, ડી.કો.ઓ. બેંકના ચેરમેન જીતુભાઇ લાલ, સહિતનાં મહાનુભાવો બપોરના ૧૨.૩૦ વાગ્યા સુધીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય લગભગ તમામ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, એડવોકેટસ, દરેક સમાજનાં પ્રમુખ સહિતના હોદેદારો, મહિલાઓ, ખુબ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
એક તરફ રકતદાન કેમ્પ ચાલ્યો હતો જેમાં રકતદાતાઓએ હોંશે હોંશે ભાગ લીધો હતો, બીજી તરફ લગભગ તમામ રોગનાં નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહ્યા હતા જયાં દર્દીઓને ચકાસીને દવા આપવામાં આવી હતી. મીની હોસ્પિટલ જેવો માહોલ જોવા મળ્યો હતો. એક તરફ આ સેવાકીય પ્રવૃતિ ચાલતી હતી તો બીજી તરફ પુનમબેન માડમના જન્મદિનની શુભેચ્છા આપવા માટે લોકોની મોટી ભીડ જોવા મળી હતી.