BREAKING NEWS

જામનગર: જોડિયા પંથકમાં ખનિજ વિભાગની આકસ્મિક તપાસમાં મસમોટી ખનીજ ચોરી ઝડપાઈ

  • July 04, 2026 01:04 PM 

જામનગર: જોડિયા પંથકમાં ખનિજ વિભાગની આકસ્મિક તપાસમાં મસમોટી ખનીજ ચોરી ઝડપાઈ

સરકારી ફરજમાં અવરોધ ઊભો કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ : ૧.૫ કરોડના મુદ્દામાલ સહિત ૮ ગેરકાયદેસર વાહનો સીઝ

ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી, જામનગરની ટીમ દ્વારા ગઈ કાલે જોડિયા પંથકમાં ગેરકાયદેસર ખનિજ વહન અટકાવવા માટે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખનિજનું બિનઅધિકૃત પરિવહન કરતા કુલ ૮ વાહનો ઝડપી પાડી સીઝ કરવામાં આવ્યા છે. જે મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ.૧.૫ કરોડ જેટલી થાય છે.

તપાસ દરમિયાન વાહન નંબર જી.જે. -૧૦ ટીવાય ૬૧૦૦ ના માલિક રઝાક ઉર્ફે એઝાઝ સુમારભાઈ સફિયાએ તપાસ ટીમ સાથે ગેરવર્તન કરી ઉગ્ર બોલાચાલી કરી મારામારી કરી સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. 

ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરીની ટીમ દ્વારા  જી.જે.૧૦ ટી.વાય. ૬૧૦૦ નંબરનું વાહન જોડિયા પોલીસ સ્ટેશન ખાતે જમા કરી સરકારી ફરજમાં રૂકાવટ કરનાર સખ્શ એઝાઝભાઈ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

જોડીયા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ. લાંબરિયા એ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૧,૧૨૫-૨, ૩૫૨, ૩૦૧-૨ તથા જીપીએકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોધ્યો છે, અને તપાસ હાથ ધરી છે.

ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ખનિજ ચોરી, ગેરકાયદેસર ખનિજ પરિવહન અને સરકારી ફરજમાં અવરોધ ઊભો કરનાર તત્વો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે.

દરમ્યાનમાં જામનગર ખાણખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર નિખિલભાઇ ઉનીમોન દ્વારા ટાટા કંપનીના સીગ્ના ટ્રકના માલિક રઝાક ઉર્ફે એજાઝ સફીયા રહે. ધ્રાંગડાની વિરુઘ્ધ જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદી તથા સ્ટાફના માણસો ગઇકાલે બપોરના ગેરકાયદે રેતી ભરેલા ટ્રકો સીઝ કરવાની કાયદેસરની ફરજમાં હતા ત્યારે સીઝ ન કરવા દેવાના ઇરાદે કુનડ પાટીયા પાસે ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી અને લોખંડનુ પાનુ ઉગામીને ફરીયાદી તથા સાહેદ રમેશભાઇ સાથે પથ્થર ઉગામી બાવડામાં મારી ઝપાઝપી કરી હતી અને મારી નાખવાની ધમકી દીધી હતી આ ફરીયાદના આધારે જોડીયા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News