જામનગરના ખેડૂતોને સૌની યોજનાનું પાણી આપવા ધારાસભ્યની ગાંધીનગરમાં રજૂઆત
જામનગર (ગ્રામ્ય) વિસ્તારના ધારાસભ્ય રાઘવજી પટેલે જિલ્લાના ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા ગાંધીનગર ખાતે રાજ્યના ઉચ્ચ સ્તરે રજૂઆત કરી છે.
ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો દ્વારા વાવણી કરાયેલા આગોતરા મગફળી અને કપાસના ઊભા પાકો સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોની આ ગંભીર સમસ્યાને ધ્યાને રાખીને, ઊભા પાકને તાત્કાલિક પિયત માટે સિંચાઈનું પાણી મળી રહે તે હેતુથી ધારાસભ્ય રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે જામનગર જિલ્લાના ખેડૂતોને સૌની યોજના મારફતે તાત્કાલિક પાણી પૂરું પાડવા માટે લેખિત તેમજ મૌખિકમાં ભારપૂર્વક રજૂઆતો કરી હતી. ધારાસભ્યની આ રજૂઆતને પગલે મુખ્યમંત્રી સહિતના તમામ જવાબદાર આગેવાનોએ પ્રશ્નની ગંભીરતા સમજીને જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવા માટે ખાતરી આપી છે. જેથી ટૂંક સમયમાં જ નર્મદાનું સૌની યોજનાનું પાણી જામનગર જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે મળવાનું શરૂ થઈ જશે.