આ તે કેવો વિકાસ..જામનગરમાં માર્ગ પહોળો કરવા ૧૦ થી વધુ વૃક્ષ કપાશે
આ તે કેવો વિકાસ..જામનગરમાં માર્ગ પહોળો કરવા ૧૦ થી વધુ વૃક્ષ કપાશે
September 11, 2026 04:27 PM
આ તે કેવો વિકાસ..જામનગરમાં માર્ગ પહોળો કરવા ૧૦ થી વધુ વૃક્ષ કપાશે
અહો વિચિત્રમ: ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ પહોળો કરવા મનપા ફુટપાથ પરના તમામ વૃક્ષોનો સોથ બોલાવશે, ગ્રીન જામનગરના દાવા પોકળ
શહેરમાં એક બાજુ મનપા દ્વારા વૃક્ષોના વાવેતર પાછળ લાખોનો ખર્ચ બીજી બાજુ પાછલા બારણે વૃક્ષોનું નિકંદન: પર્યાવરણ પ્રેમી સંસ્થાઓનું સૂચક મૌન
જામનગરમાં માર્ગ પહોળો કરવા ૧૦ થી વધુ ઘટાટોપ વૃક્ષો કાપવાની મહાનગરપાલીકાની કામગીરીથી આ તે કેવો વિકાસ તે સળગતો સવાલ ઉઠ્યો છે. શહેરમાં ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ પહોળો કરવા મનપા ફુટપાથ પરના તમામ વૃક્ષોના નિકંદનની કામગીરીથી ગ્રીન જામનગરના દાવા વધુ એક વખત પોકળ પુરવાર થયા છે. શહેરમાં એકબાજુ મનપા દ્વારા વૃક્ષોના વાવેતર પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ પાછલા બારણે વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતા અનેક પ્રશ્ર્નાર્થ ઉઠયા છે. વૃક્ષો કાપવાની કામગીરી સામે પર્યાવરણ પ્રેમી સંસ્થાઓના સૂચક મૌન પણ સળગતો સવાલ બન્યો છે.
જામનગરમાં મહાનગરપાલીકા દ્વારા ટ્રાફીકથી ધમધમતા ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ પહોળો કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. કરોડોના ખર્ચે આ રોડ પહોળો કરવામાં આવશે. ત્યારે આ માર્ગ પર અગાઉ એકબાજુ જયારે ફુટપાથ બનાવામાં આવી ત્યારે ખુદ મહાનગરપાલીકા દ્વારા વૃક્ષો વાવવામાં આવ્યા હતાં. હવે આ માર્ગ પુન: પહોળો કરવા મનપાએ કામગીરી હાથ ધરી છે, ત્યારે આ માર્ગ પર ફુટપાથ પર વાવેલા ૧૦ થી ૧૫ જેટલા વૃક્ષો કે જે ઘટાટોપ થઇ ગયા હોય તે તમામ કાપવાની કામગીરી ખુદ મનપા દ્વારા હાથ ધરવામાં આવતા આ તે કેવો વિકાસ તે સવાલ વધુ એક વખત ઉઠ્યો છે. આ અંગે મનપાના સંબધિત અધિકારીઓનો સંપર્ક કરતા તેમણે આ માર્ગ પહોળો કરવા માટે ફુટપાથ પરના ૧૦ થી ૧૫ જેટલા તમામ વૃક્ષો જડમૂળથી દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
નવાઇની વાત તો એ છે કે, તળાવની પાળના પ્રોજેકટ-૨ માં પણ જૂની આરટીઓ કચેરીના માર્ગ પર આવેલા જૂના વૃક્ષોનું મનપા દ્વારા નિકંદન કાઢવામાં આવ્યું છે. ત્યારે વધુ એક વખત શહેરમાં માર્ગ પહોળો કરવા માટે ૧૦ થી ૧૫ જેટલા ઘટાટોપ વૃક્ષો કાપવાથી આ તે કેવો વિકાસ તે સવાલ જોરશોરથી ઉઠયો છે.આટલું જ નહીં દુ:ખની વાત તો એ છે કે, મહાનગરપાલીકા દ્વારા ગ્રીન જામનગરના મોટા ઉપાડે દાવા કરી જુદા જુદા સ્થળે વૃક્ષોના વાવેતર અને જાળવણી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ પાછલા બારણે જૂના ઘટાટોપ વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવતા મનપાના ગ્રીન જામનગરના દાવા પોકળ પુરવાર થઇ રહ્યા છે તો આ પ્રકારની કાર્યપ્રણાલીથી ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. બીજી બાજુ મન૫ા દ્વારા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું હોવા છતાં પર્યાવરણ પ્રેમી સંસ્થાઓના સૂચક મૌનથી પણ અનેક સવાલ ઉઠયા છે.