જામનગરમાં બેડીગેઇટ ફીડરના વિસ્તારોમાં રાત્રીના વીજકાપ, લોકો પરસેવે રેબઝેબ
દોઢ થી ત્રણ કલાક સુધી વીજળી ગુલ થતાં ગરમીમાં રહેવાસીઓને રાત ઉજાગરા કરવા પડયા
વીજકંપની દ્વારા કરવામાં આવતી સમારકામની કામગીરી સામે સવાલ: શહેરીજનોમાં રોષ સાથે દેકારો
જામનગરમાં બેડીગેઇટ ફીડરના વિસ્તારોમાં ગઇકાલે રાત્રીના વીજકાપથી લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં. દોઢથી ત્રણ કલાક સુધી વીજળી ગુલ રહેતા ગરમીમાં રહેવાસીઓને રાત ઉજાગરા કરવા પડયા હતાં. અચાનક વીજળી ગુલ થતાં વીજકંપની દ્વારા કરવામાં આવતી સમારકામની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે.
જામનગરના બેડીગેઇટ ફીડર હેઠળ આવતા પંચેશ્ર્વર ટાવર, આણદાબાવા ચકલો, હવેલી રોડ સહીતના વિસ્તારોમાં ગત રાત્રીના ૧.૩૦ વાગ્યા આસપાસ વીજળી ગુલ થઇ હતી. અસહ્ય બફારા વચ્ચે દોઢ કલાક સુધી વીજકાપના કારણે લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં.
વંડાફળી વિસ્તારમાં વીજકેબલ તૂટતા આ સમસ્યા સર્જાઇ હતી. રાત્રીના ૩ વાગ્યા આસપાસ વીજપુરવઠો પૂર્વવત થયો હતો.અત્રે નોંધનીય છે કે, એક દીવસ પૂર્વે પણ ઉપરોકત વિસ્તારમાં રાત્રીના પોણી કલાક સુધી વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. બીજી બાજુ નહેરના કાંઠા સહીતના વિસ્તારોમાં ગઇકાલે મોડી રાત્રીના ૩ કલાક સુધી વીજકાપ રહ્યો હતો. જેના કારણે આ વિસ્તારોમાં રહેતા લોકોમાં ભારે દેકારો બોલી ગયો હતો. આથી લોકો ગરમીમાં ત્રાહીમામ પોકારી ગયા હતાં. અત્રે નોંધનીય છે કે, વીજકંપની દ્વારા સમયાતંરે કલાકો સુધી વીજળી બંધ રાખી મસમોટા ખર્ચે વીજકેબલ, ટ્રાન્સફોર્મર સહીતની સમારકામની કામગીરી કરવામાં આવે છે. આમ છતાં વીજળી ગુલ થતાં આ સમારકામની કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. ઉનાળામાં રાત્રીના સમયે વીજકાપથી શહેરીજનોમાં ભારે દેકારા સાથે રોષની લાગણી ફેલાઇ છે.