ઓખા નગરપાલિકાના પ્રમુખ પદે હાડાભા બાબુભા માણેક અને ઉપપ્રમુખ તરીકે અલાના હસન થૈમની તાજપોશી
ઓખા નગરપાલિકાના પ્રમુખ પદે હાડાભા બાબુભા માણેક અને ઉપપ્રમુખ તરીકે અલાના હસન થૈમની તાજપોશી કરવામાં આવી છે, આજે આ અંગેની સતાવાર જાહેરાત થઇ હતી અને આખરે સસ્પેન્સનો અંત આવ્યો છે, અત્રે નોંધનીય છે કે ચુંટણીમાં ભાજપે ફરી એક વખત જંગી બહુમતી સાથે સતા હાંસલ કરી હતી.
ઓખા નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક માટે ૧૧ ઓકટોબરે મતદાન થયુ હતું, તા. ૧૩ ઓકટોબરના રોજ પરિણામ જાહેર થતાં કેસરીયો ઝંઝાવાત ફુંકાયો હતો, ૩૩ બેઠક પર ભાજપે કબજો કર્યો હતો અને માત્ર ૩ બેઠક કોંગ્રેસને મળી શકી હતી, નગરપાલિકાની જયારથી રચના થઇ છે ત્યારથી ભાજપની સતા રહી છે, જે પાછલી ચુંટણીમાં પણ જળવાયેલી રહી હતી.
પરિણામ બાદ ખાસ કરીને પ્રમુખપદને લઇને ગણગણાટ શરૂ થઇ ગયો હતો, કોને પ્રમુખપદનો તાજ આપવામાં આવશે તેની જુદી જુદી અટકળો લગાવવામાં આવતી હતી, ભાજપની નીતિ હંમેશા અન્ય પક્ષોથી અલગ રહેતી હોવાથી પ્રમુખપદના નામને લઇને કોઇએ પણ સ્પષ્ટ વરતારો આપ્યો નહોતો.
દરમ્યાનમાં આજે બપોરે ૧૨ વાગ્યે પ્રદેશ તરફથી આવેલા નામનું કવર લઇને જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી પહોંચ્યા હતા અને ત્યારબાદ પ્રમુખપદ માટે હાડાભા બાબુભા માણેકના નામની જાહેરાત કરવામાં આવી હતી. ઉપપ્રમુખ પદે અલાના હસન થૈમના નામની જાહેરાત થઇ હતી.
હિંદુ વાઘેર સમાજમાંથી આવતા હાડાભા માણેક સુરજકરાડીમાંથી વોર્ડ નં.૯માં ચુંટણી લડીને વિજેતા થયા હતા અને ગત ટર્મમાં ઉપપ્રમુખપદની જવાબદારી પણ સંભાળી ચુકયા હતા. આમ, એમનું પ્રમોશન થયું કહેવાય અને હવે પ્રમુખ બન્યા છે.
ઉપપ્રમુખ તરીકે વરાયેલા અલના હસન થૈમ બેટ દ્વારકાના વોર્ડ નં. ૫માંથી વિજેતા થયા હતા, નોંધપાત્ર બાબત એ છે કે અગાઉ તેઓ કોંગ્રેસમાંથી નગરપાલિકામાં ચુંટાઇ ચુકયા હતા અને એ પછી પક્ષપલ્ટો કરીને ભાજપમાં આવ્યા હતા આમ એમને ઇનામ અપાયું હોવાનું સામાન્ય રીતે માનવામાં આવે છે.
ચુંટણી બાદ જુદી જુદી ચર્ચાઓ ચાલતી હતી એમાં એક એવી પણ વાત સામે આવતી હતી કે પ્રમુખપદની જવાબદારી સામાન્ય ટર્મ હોવાથી કદાચ સુશિક્ષિત મહિલાને પણ મળી શકે છે પરંતુ આજે પોતાની સ્ટાઇલમાં નિર્ણય જાહેર કર્યો હતો અને ગત ટર્મમાં જ ઉપપ્રમુખ રહેલા ઉમેદવારને તક આપી દીધી છે એટલે તમામ અટકળો પર પુર્ણવિરામ મુકાઇ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application