જામનગરમાં આશા વર્કર બહેનો અને ભારતીય મજદૂર સંઘનો વિરોધ
માનદ્દ વેતનમાં વધારો કરવા સહિતી માંગણીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે ધરણા, સૂત્રોચ્ચાર કરી આવેદન
જામનગરમાં આશા વર્કર બહેનો તથા ભારતીય મજદૂર સંઘ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરી ખાતે ધરણા અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આંગણવાડી કાર્યકરો, મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ તેમજ આશા વર્કરોના માનદ વેતનમાં વધારો કરવા સહિતની વિવિધ માંગણીઓ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. અગાઉ પણ સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માંગણીઓનું કોઈ સંતોષકારક નિરાકરણ ન આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આશા વર્કર બહેનો ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી સાથે જોડાઈને લોકોને વિવિધ સરકારી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમ છતાં તેમની કામગીરીની સરખામણીએ મળતું માનદ વેતન પૂરતું ન હોવાને કારણે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત આંગણવાડી અને મધ્યાહન ભોજન યોજનામાં કાર્યરત બહેનોના માનદ વેતનમાં પણ યોગ્ય વધારો કરવામાં આવે તેમજ તેમની વિવિધ પડતર સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પડતર માંગણીઓને લઈને આશા વર્કર બહેનો અને ભારતીય મજદૂર સંઘના આગેવાનો તથા કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે ધરણા કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
ધરણા બાદ વિવિધ માંગણીઓને લઈને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા માંગણીઓ અંગે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી હકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.