BREAKING NEWS

જામ્યુકોની સામાન્ય સભામાં પાણી, રખડતા પશુ, ગટર મુદે વિપક્ષની પસ્તાળ

  • September 18, 2026 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકોની સામાન્ય સભામાં પાણી, રખડતા પશુ, ગટર મુદે વિપક્ષની પસ્તાળ

ખાધું પીધુંને રાજ કર્યું: ભાજપના અમુક સભ્યોએ સૂચન કર્યા, નિર્ણય અને કામગીરીને બિરદાવી પણ મહત્વની પ્રશ્ર્નોતરી ન કરતા અનેક સવાલ

બે મહીને એક વખત મળતા જનરલ બોર્ડમાં ફકત ૨૧ મીનીટમાં તમામ એજન્ડા મંજૂર: ગુજસીટોકમાં જેલવાસ ભોગવી રહેલા બંને પૂર્વ વિપક્ષી નેતા પોલીસ પહેરા સાથે હાજર રહ્યા
 
જામનગર મહાનગરપાલીકાની સામાન્ય સભામાં પાણી, રખડતા પશુ અને ભૂર્ગભ ગટરના મુદે વિપક્ષે પસ્તાળ પાડી હતી. બે મહીને એક વખત મળતા જનરલ બોર્ડમાં ફકત ૨૧ મીનીટમાં તમામ એજન્ડા સર્વાનુમતે મંજૂર કરવામાં આવતા ખાધું પીધુંને રાજ કર્યું તેવો ઘાટ સર્જાયો હતો. શહેરના દરેક વોર્ડમાં સફાઇ,ગટર,પાણી, લાઇટ સહીતની ફરિયાદો રોજ ઉઠતી હોવા છતાં સામાન્ય સભામાં ભાજપના અમુક સભ્યોએ સૂચનો કરી, કામગીરીને બિરદાવી હતી પરંતુ મહત્વની પ્રશ્ર્નોતરી કરવાની કોઇએ હીંમત ન કરતા અનેક સવાલ ઉઠ્યા છે. ગુજસીટોકમાં જેલવાસ ભોગવી રહેલા બંને પૂર્વ વિપક્ષી નેતા પોલીસ પહેરા સાથે સામાન્ય સભામાં હાજર રહ્યા હતાં. 

જામનગર મહાનગરપાલીકાની સામાન્ય સભા શુક્વારે સવારે મનપાના અટલ બિહારી વાજપેયી સભાગૃહમાં મેયર મોનીકાબેન વ્યાસના અઘ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કમિશ્ર્નર દીપેશ કેડીયા, ડેપ્યટી મેયર, ડીએમસી, સીટી ઇજનેર સહીતના અધિકારીઓ અને નગરસેવકો હાજર રહ્યા હતાં. બે મહીને એક વખત મળતી સામાન્ય સભામાં શહેરના વિકાસ અને કનડતી સમસ્યાના નિરાકરણ માટેના કોઇ ખાસ એજન્ડા ન હોય ફકત ૨૧ મીનીટમાં તમામ એજન્ડા મંજૂર કરાયા હતાં. જેમાં ગત મીટીંગની મીનીટસને બહાલી, બિમારી સબબ નાણાંકીય સહાય, પશુ નિયંત્રણ અને અંકુશ વિભાગ માટેની જગ્યાનું મહેકમ મંજૂર કરવા, શ્રાવણી લોકમેળા-૨૦૨૬ અન્વેયના દીવસો અપસેટ પ્રાઇસ શરતો નકકી કરવા, પ્રોજેકટ ઓફીસર વર્ગ-૨(યુસીડી)પૃથ્વીબેન ચોવડીયાને બાળ વિકાસ યોજના અધિકારી વર્ગ-૨ તરીકેની સેવા સળંગ ગણવા અને ટીપી સ્કીમ નં.૨,૨૫,૪ અને ૨૭ ની દરખાસ્તને પરામર્શ આપવા અંગેની દરખાસ્તનો સમાવેશ થાય છે. 

એજન્ડા દરમ્યાન વિપક્ષના આપના નગરસેવીકા જૈનબબેન ખફીએ બિમારી સબબની સહાય ઝડપથી ચૂકવવા, શ્રાવણી મેળામાં રાઇડસધારકો દ્વારા થતી લૂંટ અટકાવવા નિર્ણયો મેળા પૂર્વે લેવા જણાવ્યું હતું. આટલું જ નહીં તેણીએ શહેરમાં રખડતા પશુ ખાસ કરીને કૂતરાનો ત્રાસ અનહદ વઘ્યો હોય મનપા દ્વારા કરવામાં આવતી રસીકરણ અને ખસીકરણની કામગીરી અસરકારક રીતે ન થતી હોવાનો આક્ષેપ કરી તપાસની માંગ કરી હતી. આટલું જ નહીં તેણીએ શહેર પર ગંભરી જળસંકટ તોળાઇ રહ્યું છે ત્યારે મનપા દ્વારા શહેરમાં એકાંતરા પાણી વિતરણ માટે શું વ્યવસ્થા કરવામાં આવી તે સવાલ ઉઠાવ્યો હતો. સાથે સાથે પ્રશ્ર્નોતરી દરમ્યાન મનપામાં ભળેલી અને નવી સોસાયટીમાં ડેવલોપરો દ્વારા પ્રાથમિક સુવિધા ઉભી ન કરતા ગટર, લાઇટ સહીતના ગંભીર પ્રશ્ર્નો ઉભા થતા હોય આ બાબતે યોગ્ય તપાસ કરવા માંગણી કરી હતી. તદઉપરાંત જન્મ-મરણના દાખલામાં સીઆરએસ પોર્ટલમાં જૂનું રેકર્ડ ન હોય અને એક જ આઇડી હોય લોકોને પારાવાર હાલાકી અને નાણાંનો વ્યય થતો હોય યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરી હતી. 

જયારે વિપક્ષના આમ આદમીપાર્ટીના કોર્પોરેટર સહારાબેન મકવાણાએ પણ અપૂરતા વરસાદના કારણે શહેરમાં પાણીની કટોકટીની સ્થિતિ નિવારવા શું પગલાં લીધા છે તે સવાલ ઉઠાવી બિમારી સબબ ખાસ કિસ્સામાં મંજૂર કરેલી સહાય તાકીદે ચૂકવવા, રખડતા પશુનો ત્રાસ નિવારવા પશુ નિયંત્રણ અને અંકુશ વિભાગનું મહેકમ નિયમ, રોસ્ટર મુજબ ભરવા, નગરસીમ વિસ્તારોમાં પૂરતા ફોર્સ અને અનિયમિત પાણી આવતું હોય તેનું નિરાકરણ કરવા માંગણી કરી હતી. સામાન્ય સભામાં ગુજસીટોકમાં જેલવાસ ભોગવી રહેલા આમ આદમી પાર્ટીના નગરસેવક અસલમ ખીલજી અને કોંગ્રેસના નગરસેવક અલ્તાફ ખફી પોલીસ પહેરા સાથે હાજર રહ્યા હતાં.

વિપક્ષના પાણીના પ્રશ્ર્ને મેયરે જણાવ્યું હતું કે, શહેરમાં પાણીની કોઇ તકલીફ ન પડે તે માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જયારે વોટરવર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલે સૌની યોજનાના પાણીની આવક ઉંડ-૧ ડેમમાં ચાલુ  છે, રણજીતસાગર અને સસોઇમાં પણ પહોંચ્યુું હોવાનું જણાવ્યું હતું. જયારે રખડતા શ્ર્વાનના નિયંત્રણની કામગીરી અંગે આસી.કમિશ્ર્નર(વહીવટ) મુકેશ વરણવાએ જણાવ્યું હતું કે, શહેરમાં શ્ર્વાનના રસીકરણ અને ખસીકરણ બંનેની કામગીરી ચાલુ છે.એક મહીનમાં કુલ ૩૯૧૫ શ્ર્વાનના રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યું છે. આજની મનપાની સામાન્ય સભામાં ચેર પરથી જૂની નળની પાઇપલાઇન ટ્રાન્સફરનો ખર્ચ ટેન્ડરમાં સમાવેશની ચેર પરથી દરખાસ્ત રજૂ થઇ હતી. આ નિર્ણય તથા શહેરમાં થતી સફાઇ કામગીરી, પાણીનું આગોતરૂ આયોજન સહીતની કામગીરીને ભાજપના નગરસેવકોએ બિરદાવી હતી અને અમુક ભાજપના સભ્યોએ સૂચનો કર્યા હતાં પરંતુ મહત્વનો કોઇ સવાલ એટલે કે પ્રશ્ર્ન ન પૂછતા અનેક સવાલની સાથે ખાધું પીધું ને રાજ કર્યાનો ઘાટ જનરલ બોર્ડમાં સર્જાયો હતો. 

કોન્ટ્રાકટ કર્મીઓનો રોજમદારમાં સમાવેશ કરવા, પાણીનો વેફડાટ અટકાવવા સૂચન: 
જામ્યુકોની સામાન્ય સભામાં સ્ટેન્ડીંગ કમીટીના પૂર્વ ચેરમેન અને ભાજપના નગરસેવક સુભાષ જોશીએ કોન્ટ્રાકટ કર્મીઓ કે જેઓને રોજમદારમાં સમાવેશ કરવા બે વખત જનરલ બોર્ડમાં ઠરાવ થઇ ચૂકયો હોય તેની તાકીદે અમલવારી કરાવવા, રોડની કામગીરી કરતા પહેલા સીવીલ અને સંબધિત શાખા દ્વારા પૂરતી ચકાસણી કરવા, શહેરની શાન સમાન લાખોટા તળાવમાં નર્મદાના નીર ઠાલવવા, સોલેરીયમ સમ્પને અન્યત્ર ખસેડવા, પાણીનો બચાવ થાય તે માટે તાકીદે પગલાં લેવા સૂચન કર્યા હતાં. જયારે ભાજપના નગરસેવક સુરેશ આલરીયાએ રોજ ૫ એમએલડી એટલે કે ૫૦ લાખ લીટર પાણીનો વેડફાટ શહેરમાં થતો હોય તેને અટકાવવા તથા વોટર હાર્વેસ્ટીંગ સીસ્ટમ એટલે કે વરસાદી પાણીના સંગ્રહ પર ભાર મૂકવા સૂચન કર્યા હતાં. 

ચેર પરથી રજૂ થયેલી જૂની નળની લાઇન ટ્રાન્સફરનો ખર્ચનો ટેન્ડરમાં સમાવેશની દરખાસ્તને બહાલી:
જામ્યુકોની સામાન્ય સભામાં ચેર પરથી શહેરમાં ડામર અને સીસી રોડની કામગીરી દરમ્યાન હયાત નળજોડાણ એટલે કે નળની જૂની પાઇપલાઇન બદલવાની કામગીરી એટલે ટ્રાન્સફર કરવાના ખર્ચનો ટેન્ડરમાં સમાવેશ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. આ નિર્ણયથી માર્ગની કામગીરી દરમ્યાન નળની જૂની લાઇન રીપેર કે બદલવામાં ઉભા થતા પ્રશ્ર્નો ઉકેલાશે અને કામગીરી ઝડપથી થશે. જેમાં ૩ મીટર, ૩ થી ૫ મીટર ૧૦ મીટર સુધી નળધારકોએ કોઇ ખર્ચ ચૂકવવાનો થશે નહીં. પરંતુ ૧૦ મીટરથી વધુ લાઇન હશે તો ખર્ચ ચૂકવવો પડશે. આ દરખાસ્તને તમામ સભ્યોએ બીરદાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application