BREAKING NEWS

જામનગર શહેરના વેપારીબંધુ વ્યાજખોરની ચુંગાલમાં ફસાયા

  • August 06, 2026 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના વેપારીબંધુ વ્યાજખોરની ચુંગાલમાં ફસાયા 

બે વ્યાજખોરો સામે પઠાણી ઉઘરાણીની ફરીયાદ દાખલ : ૩૨ લાખ લીધા બાદ સોનાના દાગીના વેચી નાખ્યાનો આક્ષેપ

જામનગરના વેપારીએ વ્યાજે લીધેલી રકમ પૈકી ૨૨ લાખ ચુકવી આપેલ હોય અને સિકયુરીટી પેટે આપેલ સોનાના બિસ્કીટ, દાગીના તેમની જાણ બહાર આરોપીએ વેચી નાખ્યા હોય જે બાબતે પુછતા ધમકી દીધાની અને ફરીયાદીના ભાઇએ લીધેલી રકમમાં માલસમાન લઇને મુદલની પઠાણી ઉઘરાણી કરીને ધમકી દેવામાં આવી હતી વેપારી દ્વારા જામનગર અને પડાણાના બે વ્યાજખોર સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

જામનગર શહેરના શકિતપાર્કના અને હાલ ગોકુલનગર વિસ્તારમાં રહેતા વેપારી મુકેશકુમાર પરસોતમભાઈ જ્ઞાનચંદાણીની ફરિયાદના આધારે સીટી-બી ડિવિઝન પોલીસે બે શખ્સો મયુરગ્રીન વીલામાં રહેતા ભરત નંદા અને પડાણાના રવિરાજસિંહ ગોહિલ સામે ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-૨૦૧૧ની કલમ ૫, ૩૯, ૪૦ અને ૪૨ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨), ૩૫૧(૩), ૩૫૨ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધ્યો છે.

ફરિયાદ મુજબ વર્ષ ૨૦૨૩ દરમિયાન ફરિયાદી વેપારી મુકેશભાઈએ ધંધાકીય જરૂરિયાતને કારણે રણજીતસાગર રોડ, મયુર ગ્રીન વિલા સોસાયટીમાં રહેતા ભરતભાઈ નંદા પાસેથી તબક્કાવાર આશરે ૩૨ લાખ ઉછીના લીધા હતા. તેના બદલામાં ચાર સોનાના બિસ્કિટ, બે સોનાની ચેન અને એક સોનાની લકી સહિત આશરે ૧૨૦ ગ્રામ જેટલા સોનાના દાગીના સિક્યોરિટી તરીકે ગીરવે મૂક્યા હતા. ફરિયાદીનો આક્ષેપ છે કે જાન્યુઆરી-૨૦૨૩થી ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન આશરે રૂ. ૨૨ લાખ વ્યાજ ચૂકવ્યા છતાં આરોપીએ ગીરવે રાખેલા દાગીના તેમની જાણ બહાર વેચી નાખ્યા અને દાગીના અંગે પૂછતાં ગાળો આપી ધમકી આપી હતી.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે પડાણા ગામના રવિરાજસિંહ ગોહીલે ફરિયાદીના ભાઈ ઘનશ્યામભાઈને ૪ લાખ માસિક પાંચ ટકા વ્યાજે આપ્યા હતા. આ રકમના બદલામાં રોકડ, ગુગલ પે તેમજ તંબાકુ-પાન મસાલાના માલ સ્વરૂપે આશરે રૂ. ૪ લાખ જેટલું વ્યાજ ચૂકવવામાં આવ્યું હોવા છતાં આરોપીએ આશરે ૩ લાખના ફર્નિચરને માત્ર ૪૦ હજારની કિંમત ગણી કબજે કરી લીધું હોવાનું તેમજ હજુ પણ વધુ રકમની ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરિયાદમાં જણાવ્યુ છે. સીટી-બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application