BREAKING NEWS

જામનગર: રસ્તા પર ભટકતી પીડિત મહિલાનું પિયરના પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

  • July 18, 2026 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: રસ્તા પર ભટકતી પીડિત મહિલાનું પિયરના પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

મુશ્કેલ સમયમાં દેવદૂત બની ૧૮૧ અભયમ હેલ્પલાઇન

પતિના ત્રાસથી ઘર છોડવા મજબૂર બનેલી દ્વારકા જિલ્લાની મહિલાને જામનગર અભયમ ટીમે ત્વરિત કાઉન્સેલિંગ કરી સલામત આશરો અપાવ્યો

ઘરેલુ હિંસા, માનસિક ત્રાસ અને વિષમ પરિસ્થિતિઓમાં સપડાયેલી મહિલાઓની વહારે આવીને ’૧૮૧ અભયમ હેલ્પલાઇન’ સતત સરાહનીય અને સંવેદનશીલ કામગીરી કરી રહી છે. તાજેતરમાં જામનગર અભયમ ટીમ દ્વારા આવી જ એક પીડિત મહિલાને સમયસર મદદ પહોંચાડી, તેનું કાઉન્સેલિંગ કરી સુરક્ષિત આશરો અને નવું જીવન આપવામાં આવ્યું છે.

ઘટનાની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતી એક પરણિત મહિલાને તેનો પતિ નશાની હાલતમાં અવારનવાર નિર્દયતાથી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. પતિના અતિશય મારકૂટ અને સતત વધતા જતા ત્રાસથી કંટાળીને આ મહિલા આખરે પોતાનું ઘર છોડી દેવા મજબૂર બની હતી. આશ્રયવિહોણી બનેલી મહિલા સતત ત્રણ દિવસ સુધી એકલવાયું જીવન ગાળી રસ્તાઓ પર ભટકતી રહી હતી. આ દરમિયાન તેણે એક આશ્રમમાં પણ આશરો લીધો હતો.

આશ્રમમાં એક દિવસ વિતાવ્યા બાદ મહિલા પુન: રસ્તા પર આવી ગઈ હતી. રસ્તા પર ભટકતી અને અસહાય અવસ્થામાં રહેલી આ મહિલા પર એક જાગૃત નાગરિકની નજર પડતાં, તેમણે સામાજિક જવાબદારી નિભાવી તાત્કાલિક ’૧૮૧ મહિલા હેલ્પલાઇન’નો સંપર્ક કરીને સમગ્ર ઘટના અંગે વાકેફ કર્યા હતા.

માહિતી મળતાની સાથે જ જામનગર ૧૮૧ અભયમ ટીમના મહિલા કાઉન્સિલર મનિષા વઢવાણા, પોલીસ કોન્સ્ટેબલ ઈલાબા ઝાલા અને પાયલોટ રામજીભાઈ શિયાર સત્વરે ઘટનાસ્થળે દોડી ગયા હતા. ટીમે સૌપ્રથમ પીડિત મહિલાને સાંત્વના આપી, તેનો ગુમાવેલો આત્મવિશ્વાસ પુન: જગાડ્યો હતો અને સહાનુભૂતિપૂર્વક જરૂરી કાઉન્સેલિંગ કર્યું હતું.

અભયમ ટીમ દ્વારા મહિલાના પતિ સાથે પણ સંપર્ક સાધીને વાતચીત કરવામાં આવી હતી, પરંતુ મહિલા તેના પતિના અમાનુષી વર્તનને કારણે તેની સાથે જવા બિલકુલ તૈયાર ન હતી. આથી, મહિલાની સુરક્ષા અને માનસિક સ્થિતિને સર્વોચ્ચ અગ્રતા આપીને, અભયમ ટીમે તાત્કાલિક તેના માતા-પિતાનો સંપર્ક સાધ્યો હતો. અંતે, કાયદાકીય અને સામાજિક સુરક્ષાના માપદંડો સાથે મહિલાને સહી-સલામત રીતે તેના પિયર (માતા-પિતાના ઘરે) મોકલી આપી આખી ટીમ દ્વારા એક સંવેદનશીલ સંકટમોચકની ભૂમિકા ભજવવામાં આવી હતી.

ભરચક મુશ્કેલીના સમયે અણધારી અને ત્વરિત મદદ મળતા પીડિત મહિલા તેમજ તેના લાચાર પરિવારે ૧૮૧ અભયમ ટીમની આ કામગીરીને બિરદાવી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application