જામનગરમાં ગઇકાલે માત્ર છાંટા પડયા પરંતુ કેટલાક વિસ્તારોમાં છ કલાકથી વધુ લાઇટ ગુલ
અનેક વિસ્તારોમાં ઓછા વોલ્ટેજની ફરિયાદ અને લાઇટ ગુલ: પીજીવીસીએલની પ્રીમોન્સુન કામગીરી છતી થઇ
જામનગરમાં પીજીવીસીએલની કામગીરી કેટલી સંતોષકારક છે તે ગઇકાલે જોવા મળ્યું હતું, ગઇકાલે વીજળીના ભારે કડાકા ભડાકા થયા અને બે ત્રણ વખત જોરદાર ઝાપટા પણ પડયા પરંતુ એવો કોઇ ભારે વરસાદ પડયો નથી કે જેથી કલાકો સુધી વીજળી બંધ રાખવી પડે. ગઇકાલે મોડી રાત્રે ૩ વાગ્યાથી પટેલ કોલોની તથા આજુબાજુ વિસ્તારમાં લાઇટ ચાલી ગઇ હતી અને સવારે ૧૦.૩૦ સુધી લાઇટ આવી ન હતી. અનેક વિસ્તારોમાં અડધાથી છ કલાક સુધી લાઇટ ચાલી જતા લોકો ગરમીથી ભારે પરેશાન થઇ ગયા હતા. જાન્યુઆરીથી પીજીવીસીએલની પ્રીમોન્સુન કામગીરી શ થઇ છે પરંતુ માત્ર ઝાપટા આવ્યા બાદ કલાકો સુધી લાઇટ ચાલી જવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
જાણવા મળતી માહિતી મુજબ પટેલ કોલોની, રામેશ્ર્વર વિસ્તારમાં લાઇટ અંગે ફરિયાદ કરવા લોકોએ ફોનથી ટ્રાય કરી પરંતુ પીજીવીસીએલની કચેરીના લોકો દ્વારા ફોન ઉપાડવામાં આવ્યા ન હતા. એવો તે શું મોટો ફોલ્ટ હતો કે છ થી સાત કલાક સુધી લાઇટ બંધ રાખવી પડે.
શહેરના પંચવટી, રામેશ્ર્વરનગર, ખોજાનાકા, નવાગામ ઘેડ, અકબરશા ચોક, રંગમતી સોસાયટી, મોરકંડા રોડ, સેટેલાઇટ, સહિતના કેટલાક વિસ્તારોમાં ઓછા વોલ્ટેજને કારણે લાઇટ ચાલી જવાની ફરિયાદ સામે આવી છે. કેટલાક વિસ્તારોમાં તો લાઇટ ચાલી જવાથી લોકો ભારે ગરમીના કારણે પરેશાન થઇ ગયા હતા. પીજીવીસીએલના વડા હસિત વ્યાસે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેટલાક વિસ્તારોમાં ભારે પવનને કારણે ઝાડની ડાળી વાયર ઉપર પડતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, પટેલ કોલોની વિસ્તારમાં કયા કારણસર લાઇટ બંધ કરાઇ છે. તે અંગે હું અધિકારી સાથે વાત કરીને જણાવું છું.
જામનગરમાં અવાર નવાર પીજીવીસીએલ દ્વારા થોડા છાંટા પડતા લાઇટો બંધ કરી દેવામાં આવે છે, ન કરે નારાયણ અને સાતથી આઠ ઇંચ વરસાદ એકધારો પડે તો જામનગરના લોકોની હાલત શું થાય ? એવો પ્રશ્ર્ન પણ લોકો ઉઠાવી રહ્યા છે જે હોય તે જામનગરના કેટલાક વિસ્તારોમાં લાઇટ ચાલી ગઇ છે તે હકીકત છે. થોડાક વરસાદમાં અવાર નવાર લાઇટો ગુલ થઇ જાય છે એક તરફ આ વખતની ગરમી પણ લોકોને તોબા પોકારી ગઇ છે, ત્યારે પીજીવીસીએલ દ્વારા હવે ઝડપી કામગીરી કરીને આ પ્રકારનું બીજી વખત ન બને તે જોવુ જોઇએ.