BREAKING NEWS

જામનગર  : હાલારમાં ઉંચા વળતરની લાલચ આપી ખાનગી પેઢીનું કરોડોનું ફૂલેકું..!

  • October 14, 2025 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલારમાં ઉંચા વળતરની લાલચ આપી અમદાવાદની ખાનગી પેઢીએ રૂ.૮ કરોડનું ફૂલેકું ફેરવતા ભારે ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે. પેઢીએ રોકાણ પર ૧૦ ટકા વળતરની લાલચ આપી નાણાં લઇ લીધા બાદ હાથ ઉંચા કરી દેતા જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લાના ૫૦૦૦થી વધુ રોકાણકારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. છેતરપીંડીનો ભોગ બનનાર રોકાણકારોએ ૧૬૦૦ જેટલી ફરિયાદ અરજી કરવા છતાં હજુ સુધી સંબધીત વિભાગ દ્રારા પેઢીના સંચાલકો સામે વિધિવત ગુનો નોંધવામાં ન આવતા અનેક સવાલ ઉઠ્યા છે. 

અમદાવાદની ખાનગી પેઢી દ્રારા છેલ્લાં ઘણાં સમયથી રાજયભરમાં શાખાઓ ખોલવામાં આવી હતી. જેમાં જામનગરમાં આ પેઢીની સૌ પ્રથમ શાખા ગુરૂદ્રારા પાસે અને ત્યારબાદ પંચેશ્વર ટાવર પાસે નવી બનેલી ઇમારતમાં સ્થળાતંર કરાયું હતું. આટલું જ નહીં દેવભૂમિ દ્રારકા જિલ્લામાં પણ એજન્ટો અને શાખાઓ શરૂ કરાઇ હતી.


 ખાનગી પેઢી દ્રારા રોકાણ પર ૧૦ ટકા જેટલા ઉંચા વળતરની ખાતરી આપવામાં આવી હતી. આથી રોકાણકારાએ પેઢી પર આંધળો વિશ્વાસ કરી નાણાંનું રોકાણ કર્યું હતું. શરૂઆતાન ખાનગી પેઢીએ અમુક રોકાણકારોને ખાતરી મુજબનું વળતર આપ્યું હતું. આથી જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં મળી કુલ ૫૦૦૦થી વધુ રોકાણકારોએ ખાનગી પેઢીમાં રોકાણ કર્યું હતું. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે પેઢી દ્રારા રોકાણકારોને નાણાં અને વળતર ચૂકવવામાં ધાંધિયા શરૂ કરાયા હતાં. આ મુદે રોકાણકારોમાં ફરિયાદો પણ ઉઠી હતી. ત્યારબાદ અમદાવાદની ખાનગી પેઢીના સંચાલકોએ નાણાં અને વળતર ચૂકવવામાં હાથ ઉંચા કરી દીધા હતાં. આથી જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લાના રોકાણકારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. નવાઇની વાત તો એ છે કે, જામનગરમાં છેતરપીંડીનો ભોગ બનેલા રોકાણકારોએ સ્થાનિક સંબધીત વિભાગમાં ૧૬૦૦ જેટલી ફરિયાદ અરજી કરી છે.


જેને એકાદ વર્ષ જેવો સમય થવા છતાં સંબધિત વિભાગ દ્રારા પેઢીના માલીકો અને સંચાલકો સામે વિધિવત ગુનો નોંધવામાં ન આવતો હોવાની રાવ રોકાણકારોમાં ઉઠી છે. આટલું જ નહીં વચેટીયા દ્રારા પેઢી નાણાં ચૂકવી દેશે તેવા લુખ્ખા આશ્વાસન આપી કોણીએ ગોળ ચોંટાવામાં આવી રહ્યાની ફરિયાદો પણ રોકાણકારોમાં ઉઠી છે.  અમદાવાદની ખાનગી પેઢી દ્રારા હાલારમાં ઉંચા વળતરની લાલચ આપી ‚.૮ કરોડથી વધુની રકમનું ફૂલેકું ફેરવવામાં આવતા રોકાણકારોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. 


અન્ય શહેરમાં ગુનો નોંધાયો, નાણાં ચૂકવતા શરતી જામીન

અમદાવાદની ખાનગી પેઢી દ્રારા જામનગર સહીત રાજયભરમાં શાખાઓ શરૂ કરવામાં આવી હતી. થોડા સમય બાદ રાજયભરમાં નાણાં ચૂકવવામાં હાથ ઉંચા કરી પેઢીએ કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવ્યું છે. ત્યારે રાજકોટમાં પેઢીના સંચાલકો અને માલીકો સામે વિધિવત ફરિયાદ થઇ હતી. જેમાં પેઢીના સંચાલકોએ રોકાણકારોને નાણાં ચૂકવતા શરતી જામીન મળ્યાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ​​​​​​​


લાલબતીરૂપ કિસ્સો, રોકાણકારોએ રૂ.૧૦૦૦૦થી ૨૫૦૦૦૦નું રોકાણ કર્યંુ​​​​​​​

જામનગર સહીત રાજયભરમાં ઓનલાઇનની સાથે ઓફલાઇન એટલે કે વળતર તેમજ અન્ય લાલચ આપી છેતરપીંડીના કિસ્સામાં ધરખમ વધારો થયો છે. ત્યારે જામનગર સહીત રાજયભરમાં અમદાવાદની ખાનગી પેઢીએ ઉંચા વળતરની લાલચ આપી કરોડોનું ફૂલેકું ફેરવતા વધુ એક લાલબતીરૂપ કિસ્સો સામે આવ્યો છેે. આ પેઢીમાં અનેક રોકાણકારોએ રૂ.૧૦૦૦૦થી ૨૫૦૦૦૦ સુધીનું રોકાણ કર્યાનું ખૂલ્યું છે.​​​​​​​


જુદી-જુદી યોજનામાં પાકતી મુદતે મોટી રકમ ચૂકવવાની ખાતરી, એજન્ટોને કમીશન મળતું હતું​​​​​​​

અમદાવાદની ખાનગી પેઢી દ્રારા રોકાણની જુદી-જુદી યોજના બહાર પાડવામાં આવી હતી. જેમાં પાકતી મુદતે વ્યાજ સહીત મોટી રકમ રોકાણકારોને ચૂકવવાની ખાતરી અપાઇ હતી. આટલું જ નહીં ખાનગી પેઢીમાં એજન્ટો તરીકે પણ લોકો કામ કરતા હતાં. જેઓને તગડું કમીશન મળતું હતું. પરંતુ ખાનગી પેઢીના સંચાલકો અને માલીકોએ કરોડોનું ફૂલેકું ફેરવી હાથ ઉંચા કરી દેતા એજન્ટા ગાયબ થઇ ગયા છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application