BREAKING NEWS

જામનગર : કચ્છ અને સૌરાષ્ટ્રના ૧૦થી વધુ ઉત્પાદનોએ મેળવ્યો છે જીઆઇ ટેગ

  • November 28, 2025 05:18 PM 



ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશાં દેશના સ્થાનિક અને વારસાગત ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપીને સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાનશ્રીએ વોકલ ફોર લોકલ અભિયાનની શરૂઆત કરી છે. વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે તેમણે જીઆઇ (જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન) ટેગવાળા ઉત્પાદનોને સક્રિયપણે પ્રોત્સાહન આપ્યું છે, અને આ ઉત્પાદનોને તેમણે સાંસ્કૃતિક વારસો, આર્થિક સશક્તિકરણ અને વૈશ્વિક માન્યતા સાથે જોડ્યા છે. તેઓ તેમના રેડિયો કાર્યક્રમ ’મન કી બાત’ પણ વારંવાર આ ઉત્પાદનોનો ઉલ્લેખ કર્યો છે અને કારીગરોને વ્યક્તિગત રીતે જીઆઇ સર્ટિફિકેટ એનાયત કર્યા છે.


ઉલ્લેખનીય છે કે, માનનીય કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલે વિકાસ ભી, વિરાસત ભીના વિઝન સાથે ૨૦૩૦ સુધીમાં ભારતમાં ૧૦,૦૦૦ જીઆઇ (ભૌગોલિક સંકેત) ટેગ્સવાળા ઉત્પાદનો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે. જીઆઇ ટેગિંગ જેવી પહેલ દ્વારા રાજ્યના કારીગરો અને ખેડૂતોને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે, ગુજરાત કચ્છના પ્રખ્યાત કાપડથી લઇને સૌરાષ્ટ્રના પ્રિમિયમ ઉત્પાદનો સુધીના પોતાના વારસાને પ્રમોટ કરી રહ્યું છે, જેથી રાજ્ય વૈશ્વિક સ્તરે આત્મનિર્ભર બને. જીઆઇ ઉત્પાદનોની જાળવણી અને તેમનું પ્રમોશન ’વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સિદ્ધાંત પર ભાર મૂકે છે, જે સ્થાનિક ક્ષમતાઓને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં પરિવર્તિત કરે છે.


કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારે અજરખ, બાંધણી, રોગન ક્રાફ્ટ પેઇન્ટિંગ, કચ્છી શાલ, કચ્છી ખારેક અને કેસર કેરી જેવા પ્રખ્યાત ઉત્પાદનો માટે જીઆઇ ટેગ મેળવ્યા છે, જે સ્થાનિક કારીગરોનો વિકાસ કરે છે અને તેમને વૈશ્વિક ઓળખ આપે છે. રાજકોટમાં યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કચ્છ-સૌરાષ્ટ્રના હસ્તકલા અને હાથવણાટ કારીગરોની સ્થાનિક શ્રેષ્ઠતા અને નિકાસ સંભાવનાને ઉજાગર કરવા માટે સજ્જ છે. 

​​​​​​​


પરંપરા અને કલાત્મકતાથી સમૃદ્ધ, ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશોએ તેમના સાંસ્કૃતિક અને કૃષિ વારસાને રજૂ કરતા ઉત્પાદનો માટે ૧૦ થી વધુ જીઆઇ માન્યતાઓ મેળવી છે. કચ્છના પ્રખ્યાત ઉત્પાદનોમાં ભરતકામ, બ્લોક-પ્રિન્ટિંગ, બાંધણી ટાઇ-ડાય, રોગન ક્રાફ્ટ પેઇન્ટિંગ અને કચ્છી શાલનો સમાવેશ થાય છે.  આ ઉપરાંત, કૃષિ ઉત્પાદનની વાત કરીએ તો કચ્છી ખારેકને પણ જીઆઇ ટેગ આપવામાં આવ્યો છે, જે તેના અદ્ભુત સ્વાદ અને પોષકતત્વોથી ભરપૂર ગુણવત્તા માટે પ્રખ્યાત છે. સૌરાષ્ટ્રના વિશિષ્ટ ઉત્પાદનોમાં ગીરની કેસર કેરી જે ગીર પ્રદેશમાં ’કેરીની રાણી’ તરીકે વ્યાપકપણે ઓળખાય છે, જાનમનગરી બાંધણી અને રાજકોટ પટોળા રેશમ વણાટનો સમાવેશ થાય છે. આ જામનગરી બાંધણી અને રાજકોટની સાડીઓ ઘણી બોલિવુડ સેલિબ્રિટીના વોર્ડરોબમાં પણ સ્થાન પામી છે. વધુમાં, સુરેન્દ્રનગરની ટાંગલિયા શાલ પણ તેની વિશિષ્ટ કાપડ કલાનો નમૂનો છે, જેણે કલાના ઉત્સાહીઓનો આકર્ષિત કર્યા છે અને એક વૈશ્વિક માંગ ઊભી કરી છે. 


સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં યોજાનારી આગામી  હસ્તકલા અને હાથવણાટ કારીગરોની ક્ષમતાને વેગ આપશે. આ બે દિવસીય કોન્ફરન્સ હેરિટેજ ક્ષેત્રના ઉદ્યોગસાહસિકો, કારીગરો, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને પ્રોડક્ટ ડિઝાઇનર્સ માટે સરકારી ઇ-માર્કેટપ્લેસ, રોકાણકારો, ખાનગી સાહસો અને અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ સાથે સહયોગ કરવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે, જે નવીનીકરણ, બજારની પહોંચ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application