શ્રાવણી પૂર્ણિમાએ ગોમતી ઘાટે દેહશુદ્ધિ, ગુગળી બ્રહ્મસમાજના 2 હજારથી વધુ જ્ઞાતિબંધુઓએ સમૂહ યજ્ઞોપવિત ધારણ કર્યા
દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીની સેવા-પૂજા તથા યાત્રિકોની ધાર્મિક સેવામાં સંકળાયેલા ગુગળી બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી પૂર્ણિમાના પાવન પર્વે સદીઓ જૂની ધાર્મિક પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી હતી. પર્વ નિમિત્તે વહેલી સવારે પવિત્ર ગોમતી નદીના ઘાટ પર દેહશુદ્ધિ સહિતની વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ હતી.
ગુગળી બ્રહ્મસમાજના જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં બ્રાહ્મણોએ ગોમતી નદીમાં સ્નાન કરી હેમાદ્રી સંકલ્પ સાથે દશવિધિ સ્નાનની વિધિ સંપન્ન કરી હતી. આ દરમિયાન ગાયત્રી મંત્રના જાપથી ગોમતી ઘાટનો સમગ્ર માહોલ ધાર્મિક બની ગયો હતો.
દેહશુદ્ધિની વિધિ સાથે ઋષિ પૂજન, ઋષિ તર્પણ તેમજ ગ્રહ, ઋતુ અને માસ તર્પણ સહિતની ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવી હતી. શ્રાવણી પૂર્ણિમાના પવિત્ર દિવસે વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ જોડાયા હતા.
મધ્યાહ્ને ઠાકોરજીને યજ્ઞોપવિત, બાદમાં સમૂહમાં ધારણ કર્યા
ગોમતી ઘાટ ખાતેની ધાર્મિક વિધિઓ બાદ મધ્યાહ્ન સમયે દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરના સમયે ગુગળી બ્રહ્મપુરી નં. 1 ખાતે ગુગળી બ્રહ્મસમાજના અંદાજે બે હજાર જેટલા જ્ઞાતિબંધુ પુરુષોએ એકસાથે સમૂહમાં યજ્ઞોપવિત ધારણ કર્યા હતા.
વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે યોજાયેલી આ સમૂહ યજ્ઞોપવિત વિધિમાં જ્ઞાતિબંધુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુગળી બ્રહ્મસમાજની સદીઓ જૂની ધાર્મિક પરંપરા નવી પેઢી સુધી જળવાઈ રહે તે રીતે આજે પણ આ વિધિનું સામૂહિક આયોજન કરવામાં આવે છે. શ્રાવણી પૂર્ણિમાના પાવન અવસરે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમોથી દ્વારકામાં દિવસભર ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતું.