કાલાવડ માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની ખેડૂત વિરોધી નીતિ સામે ધરતીપુત્રોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કાલાવડ તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પોતાની જણસી લઈને આવતા ખેડૂતોને યાર્ડની બહાર લાંબી કતારોમાં બે-ત્રણ દિવસ સુધી ઊભા રહેવા મજબૂર બનવું પડે છે. કડકડતી ઠંડી કે રાત્રિના સમયે ઉજાગરા વેઠીને ખેડૂતોએ રખડતા પશુઓથી પોતાના પાકનું રક્ષણ કરવું પડે છે, ત્યારે બીજી તરફ યાર્ડના તંત્ર દ્વારા વહાલા-દવલાની નીતિ અપનાવવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો થયા છે.
જાગૃત ખેડૂતોએ એક વીડિયો વાયરલ કરીને યાર્ડની પોલ ખોલી છે, જેમાં આક્ષેપ કરાયો છે કે કેટલાક સિલેક્ટેડ અને માનીતા વ્યક્તિઓ માટે યાર્ડના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. આવા લોકો રાત્રિના સમયે પોતાના વાહનો લઈને આવે છે અને લાઈનમાં ઊભેલા ખેડૂતોની અવગણના કરીને સીધા જ યાર્ડમાં પ્રવેશ મેળવી માલ ખાલી કરી નાખે છે. આ મામલે ખેડૂતો દ્વારા યાર્ડના સત્તાધીશોને વારંવાર ફોન કરવા છતાં કોઈ ફોન ઉપાડતું નથી, જ્યારે ગેટકીપર પણ ’આમાં અમારી કોઈ જવાબદારી નથી’ તેવા ઉડાઉ જવાબ આપી હાથ ઊંચા કરી દે છે.
આ ઉપરાંત, વેપારીઓ દ્વારા ખરીદવામાં આવેલો માલ છાપરામાંથી સમયસર ઉપાડવામાં ન આવતો હોવાથી ખેડૂતોને પોતાની જણસી છાપરાની બહાર ખુલ્લામાં ઉતારવાની ફરજ પડી રહી છે. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે ખેડૂતોએ ૧૧૨ નંબર પર પોલીસની મદદ લીધી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે, લાઈન તોડીને ડાયરેક્ટ માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવેલા માલની હરાજી કરવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરે છે કે પછી કોઈના દબાણ હેઠળ આંખ આડા કાન કરે છે.