જામનગરમાં પડતર પ્રશ્નો મામલે જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ દ્વારા આવેદન
વર્ક ટુ રૂલ અને વર્ક વિથ ડિગ્નિટી મુજબ ફરજ બજાવવા કલેક્ટરને રજુઆત
ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળના આદેશ અનુસાર જામનગર જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ (વર્ગ-૩) દ્વારા પડતર પ્રશ્નો અને વિવિધ માંગણીઓને લઈને વર્ક ટુ રૂલ અને વર્ક વિથ ડિગ્નિટી નીતિ મુજબ ફરજ બજાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે મંડળ દ્વારા જામનગર જિલ્લા કલેક્ટરને વિધિવત લેખિત આવેદનપત્ર પાઠવીને જાણ કરવામાં આવી છે.
કર્મચારી મંડળના જણાવ્યા અનુસાર, મહેસૂલી કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નો, સેવા વિષયક વિસંગતતાઓ, બિનજરૂરી જિલ્લા ફેરબદલીઓ તેમજ મહેસુલી તલાટીઓના અપ્રાસંગિક જોબચાર્ટ અંગે સરકારમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સકારાત્મક ઉકેલ આવ્યો નથી. જેથી રાજ્ય મહામંડળના સર્વાનુમતે લેવાયેલા નિર્ણય મુજબ જામનગર જિલ્લાના તમામ મહેસૂલી કર્મચારીઓ હવે સત્તાવાર કચેરી સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૬:૧૦ દરમિયાન જ ફરજ બજાવશે, જેમાં જનહિતની અગત્યની કામગીરીને પ્રાથમિકતા અપાશે.
આ કાર્યક્રમ અંતર્ગત સત્તાવાર સમય પૂરો થયા બાદ તેમજ જાહેર રજાના દિવસોમાં કોઈપણ પ્રકારની ઓનલાઈન કામગીરી, ઓટીપી કે બાયોમેટ્રિક આધારિત કામગીરી કરવામાં આવશે નહીં. આ ઉપરાંત, જ્યાં સુધી યોગ્ય સુધારા ન થાય ત્યાં સુધી અવ્યવહારુ જોબચાર્ટ અને બિન-મહેસૂલી વધારાની કામગીરીથી પણ કર્મચારીઓ અળગા રહેશે. મંડળે સ્પષ્ટતા કરી છે કે આ વિરોધ કોઈ અધિકારી કે વહીવટી તંત્ર સામે વ્યક્તિગત નથી પરંતુ નીતિગત પ્રશ્નો અને ન્યાયિક હકો માટે છે. સામાન્ય જનતાને હેરાન કરવાનો કોઈ ઈરાદો ન હોવાનું જણાવી કર્મચારીઓની વાજબી માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.આ સમયે જામનગર જિલ્લા રેવન્યુ કર્મચારી મંડળ (વર્ગ-૩) ના પ્રમુખ ભરતસિંહ ઝાલા, ઉપપ્રમુખ પાયલબેન કોઠારી, મંત્રી રમેશભાઇ બંધીયા, સહમંત્રી મોહીલભાઇ ડાંગર, ખજાનચી ઘ્વનીતસિંહ ગોરાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application