રાજકોટ શહેરમાં આગામી જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને યોજાનારા લોકમેળા ઉપરાંત ખાનગી મેળાઓની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ખાનગી મેળા યોજવા માટે અત્યાર સુધીમાં કુલ છ અરજીઓ શહેરની પોલીસ કચેરીને મળી છે. જેમાંથી ત્રણ મેળાની અરજીઓમાં રાઇડ્સ સેફટી કમિટીના તમામ સભ્યોએ હકારાત્મક અભિપ્રાય આપ્યો છે અને લાયસન્સ બ્રાંચ દ્વારા લાયસન્સ પણ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ અરજીઓ હાલ કચેરીમાં અભિપ્રાય માટે પેન્ડિંગ છે.
મળતી માહિતી મુજબ, ખાનગી મેળા માટે મળેલી અરજીઓમાં શીતલ પાર્ક ખાતેના પારીજાત પાર્ટી પ્લોટમાં રોયલ મેળો, ટાગોર માર્ગ પર આવેલી એસ.વી. વિરાણી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં રોયલ રજવાડી જન્માષ્ટમી મેળો, રાજકોટ-ભાવનગર હાઇવે પર સરધાર ખાતે લેઉવા પટેલ સમાજની બાજુમાં ‘શૌર્ય સિંદુર મેળો’, ન્યુ રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલા અટલ સરોવર ગ્રાઉન્ડ ખાતે ‘ક્રિષ્ના ઉત્સવ મેળો’, રેસકોર્સ ખાતેના બાલભવન-નેહરુ ઉદ્યાનમાં ‘બાલભવન જન્માષ્ટમી મેળો’ અને નાનામૌવા રોડ પર મરચા પીઠ ગ્રાઉન્ડ ખાતે ‘લોર્ડ ક્રિષ્ના જન્માષ્ટમી થીમ મેળા’ માટે અરજી કરવામાં આવી છે. આ પૈકી રોયલ મેળો, રોયલ રજવાડી જન્માષ્ટમી મેળો અને શૌર્ય સિંદુર મેળાની અરજીઓ અંગે રાઇડ્સ સેફટી કમિટીના તમામ સભ્યોએ હકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. કમિટીએ હકારાત્મક અભિપ્રાય સાથે અરજીઓ લાયસન્સ બ્રાંચ ખાતે મોકલી આપી હતી. ત્યારબાદ લાયસન્સ બ્રાંચ દ્વારા આ ત્રણેય મેળાઓ માટે લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ક્રિષ્ના ઉત્સવ મેળો, બાલભવન જન્માષ્ટમી મેળો અને લોર્ડ ક્રિષ્ના જન્માષ્ટમી થીમ મેળાની અરજીઓ હાલ કચેરીમાં અભિપ્રાય માટે પેન્ડિંગ છે. આ અરજીઓ અંગે જરૂરી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. રાજકોટમાં જન્માષ્ટમી દરમિયાન શહેરનો પરંપરાગત લોકમેળો યોજાવા ઉપરાંત વિવિધ સ્થળોએ ખાનગી મેળાઓ પણ યોજાતા હોય છે. જેના પગલે રાઇડ્સની સલામતી, સ્થળની વ્યવસ્થા સહિતના મુદ્દાઓને ધ્યાને રાખીને સત્તાવાળાઓ દ્વારા અરજીઓની ચકાસણી અને જરૂરી મંજૂરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોવાથી રાઇડ્સની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. હાલ ત્રણ ખાનગી મેળાઓને લાયસન્સ મળી ચૂક્યા છે, જ્યારે બાકીના ત્રણ મેળાઓ માટે કચેરીના અભિપ્રાય બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.