BREAKING NEWS

જામનગરમાં મહેસૂલી કર્મીઓની આજથી અચોકકસ મુદતની હડતાળ, અરજદારો ત્રાહીમામ

  • October 07, 2026 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મહેસૂલી કર્મીઓની આજથી અચોકકસ મુદતની હડતાળ, અરજદારો ત્રાહીમામ


જામનગર શહેર-જિલ્લામાં ૨૬૦ મહેસૂલી કર્મચારીઓ આજથી અચોકકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. મહેસૂલી કર્મચારીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર  કરી ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો.આથી કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર કચેરીમાં આવકના દાખલા, આધારકાર્ડ સહીતની અગત્યની કામગીરી ઠપ્પ થતાં અરજદારો ત્રાહીમામ પોકારી ગયા છે. બઢતી,બદલીમાં અન્યાય અને પડતર માંગણીઓ અનેક રજૂઆતો બાદ પણ સરકારના પેટનું પાણી ન હલતા અણઉકેલ રહેતા કર્મચારીઓએ લડતનું શસ્ત્ર ઉગામતા લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. 

રાજ્યભરના મહેસૂલી વિભાગના વર્ગ-૩ના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓના ઉકેલ માટે બે દી પહેલા સામૂહિક રજા (માસ સીએલ)નું એલાન કરવામાં આવ્યું હતું.રાજયભરમાં મહેસૂલી કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ અંગે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નક્કર ઉકેલ નહીં આવતાં કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. બીજી તરફ, કર્મચારીઓના માસ સીએલના કાર્યક્રમ પૂર્વે રાજ્ય સરકારે પણ કડક વલણ અપનાવી અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર ન કરવા તેમજ ફરજ પર ગેરહાજર રહેનારા કર્મચારીઓ સામે સેવા તૂટ સહિતની કાર્યવાહી કરવાની ચીમકી આપી હોવાનું સામે આવ્યું છે.  આ સમગ્ર મામલે હવે સરકાર અને મહેસૂલી કર્મચારીઓ વચ્ચેના ટકરાવથી અરજદારોનો ખો નીકળી રહ્યો છે. માસ સીએલ બાદ પણ પ્રશ્ર્નોનો ઉકેલ ન આવતા રાજયની સાથે જામનગર શહેર-જિલ્લાના ૨૬૦ મહેસૂલી કર્મચારીઓ આજથી આચોકકસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. અત્રે નોંધનીય છે કે, મહેસૂલી કર્મચારીઓના વિવિધ સેવાકીય પ્રશ્ર્નો જેવા કે બઢતી-બદલી, સીનયોરીટી યાદી અને મહેસૂલી જોબચાર્ટમાંથી અન્ય વિભાગની કામગીરી દૂર કરવા અંગે મહામંડળ દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી છે.

પરંતુ આ તમામ રજૂઆતોનો સરકાર દ્વારા ઉલાળીયો કરવામાં આવતા અને વિરોધ અને દેખાવ બાદ પણ માંગણી ન સંતોષાતા કર્મચારીઓએ આજથી અચોકકસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. આથી  કલેકટર, પ્રાંત અધિકારી અને  તમામ મામલતદાર કચેરીઓમાં  આવક, જાતિ, નોન-ક્રિમિલેયર સહિતના દાખલા, ૭/૧૨ અને ૮-અના ઉતારા, ઈ-ધરા તથા જમીન માપણી સહિતની કામગીરીમાં ઠપ્પ થતાં અરજદારોને ધરમના ધકકા થયા હતાં. આથી સમય અને નાણાંનો વેડફાટ થતાં અરજદારો ત્રાહીમામ પોકારી ગયા હતાં. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application