જામનગર: દરેડમાં બ્રાસની પેઢીમાંથી ૭૩.૬૬ લાખના સ્ક્રેપ - ફીનીશ ગુડનો માલ બારોબાર ચાઉં
સ્ટોર વિભાગના આસિ. મેનેજરે માલ ચોરી કરી વેચી નાખ્યાનો આરોપ: રૂ. ૪૪.૬૬ લાખ બાકી રહેતાં પોલીસ ફરિયાદ
જામનગરના દરેડ જીઆઈડીસી ફેઝ-૩માં આવેલી બ્રાસ ઓટો પાર્ટ બનાવતી કંપનીમાંથી બ્રાસ સ્ક્રેપ તથા ફીનીશ ગુડ માલ મળી કુલ રૂ.૭૩,૬૬,૩૫૮.૪૩ની કથિત ચોરી કરી વેચી નાખવાના મામલે કંપનીના સંચાલકે પૂર્વ સ્ટોર વિભાગના આસિસ્ટન્ટ મેનેજર સહિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ કંપનીમાં નોકરી મેળવી પૂર્વઆયોજિત કાવતરું રચી તેના નીચે કામ કરતા માણસો તથા રિક્ષા ચાલકની મદદથી કંપનીમાંથી માલ બહાર કઢાવ્યો હતો.
જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં રહેતા અને દરેડ જીઆઈડીસીમાં અરજણ પ્રીસીઝન મેટલ પ્રા.લિ. નામની કંપની ચલાવતા દીલીપભાઈ ટેકચંદભાઈ ચંદનાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે કંપનીમાં તેઓ તથા તેમના બે પુત્રો સહિત ત્રણ ડાયરેક્ટર છે, અને આશરે ૧૦૦ કર્મચારીઓ કામ કરે છે.
આશરે પાંચ મહિના અગાઉ કંપનીમાં બ્રાસ સ્ક્રેપ તથા ફીનીશ ગુડના સ્ટોકની ગણતરી કરતાં માલમાં ઘટ જોવા મળતાં સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સ્ટોર વિભાગમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરતા અને હર્ષદમીલની ચાલી પાસે દ્વારકેશ પાર્ક ઇ-૬ ખાતે રહેતા દીવ્યરાજગીરી સુરજગર ગોસ્વામી દ્વારા તેના નીચે કામ કરતા સૌહીલ, અજય જાટવ તથા રિક્ષા ચાલક ઉગાભાઈ સાથે મળી કંપનીના સ્ક્રેપ વિસ્તારમાંથી માલ રિક્ષા મારફતે બહાર મોકલાતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
કંપનીના હિસાબ મુજબ અલગ અલગ બ્રાસ સ્ક્રેપ તથા ફીનીશ ગુડ માલ મળી કુલ ૭૩,૬૬,૩૫૮નો માલ કંપનીની જાણ બહાર કાઢી લેવાયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે અગાઉ કંપની તરફથી લેખિત અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપી સાથે સમજૂતી થતાં અરજી પરત ખેંચી લેવામાં આવી હતી અને ચોરીના માલની રકમ પરત આપવાનું નક્કી થયું હતું.
ફરિયાદ મુજબ ત્યારબાદ દીવ્યરાજગીરી ગોસ્વામીએ હપ્તાવાર કુલ રૂ.૨૯ લાખ રોકડા પરત આપ્યા હતા, પરંતુ બાકીના રૂ.૪૪,૬૬,૩૫૮ ચૂકવ્યા નહોતા અને વારંવાર બહાના કાઢતા હતા. ત્યારબાદ ફરી પોલીસમાં અરજી કરતાં કંપનીમાંથી આશરે ૧૦ ટન જેટલો બ્રાસ સ્ક્રેપ તથા ફીનીશ ગુડ માલ બહાર કાઢી વેચી નાખવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. માલના નાણાં આરોપીના પોતાના તેમજ તેના ભાઈ યુવરાજ ગોસ્વામી અને અન્ય સગાંના બેન્ક ખાતામાં લેવાયા હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
ફરિયાદના આધારે દીવ્યરાજગીરી સુરજગર ગોસ્વામી તથા તપાસ દરમિયાન નામ ખૂલે તેવા અન્ય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં કંપનીના સ્ટોક, સીસીટીવી ફૂટેજ, નાણાકીય વ્યવહારો તથા અગાઉ થયેલી સમજૂતી સહિતની વિગતોની તપાસ હાથ ધરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application