BREAKING NEWS

જામનગરની જીઆઇડીસીમાં સ્ક્રેપની પેઢીઓમાં એસજીએસટીના દરોડા

  • August 14, 2026 11:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની જીઆઇડીસીમાં સ્ક્રેપની પેઢીઓમાં એસજીએસટીના દરોડા

ચકચાર: દરેડ ફેસ-૩માં ચાર ટીમ દ્વારા તપાસ, કરચોરીનું મસમોટું કૌંભાડ ખુલવાની શકયતા, બીલ વગર માલની હેરફેર કરતા ઉધોગકારોમાં દોડધામ

ટૂંકાગાળામાં જીએસટી વિભાગની ટુકડીઓ દ્વારા હાથ ધરાયેલી પુન: કાર્યવાહી શહેરમાં બેફામ વેરાચોરી અવિરત હોવાનો બોલતો પુરાવો 

જામનગરની જીઆઇડીસીમાં સ્ક્રેપની પેઢીઓમાં એસજીએસટી વિભાગના દરોડાથી ચકચાર જાગી છે.જીઆઇડીસી દરેડ ફેસ-૩માં એસજીએસટીની ચાર ટીમ દ્વારા પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસના અંતે કરચોરીનું મસમોટું કૌંભાડ ખુલવાની શકયતા નકારી શકાતી નથી. આથી બીલ વગર માલની હેરફેર કરતા ઉધોગકારોમાં ભારે દોડધામ મચી ગઇ છે. ટૂંકાગાળામાં જીએસટી વિભાગની ટુકડીઓ દ્વારા હાથ ધરાયેલી પુન: કાર્યવાહી એ શહેરમાં બેફામ વેરાચોરી હજુ પણ અવિરત હોવાના બોલતા પુરાવા સમાન બની છે. 

જામનગરએ જીએસટી કૌંભાડનું હબ બન્યું હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, શહેરમાંથી એક પછી એક મસમોટા જીએસટી કૌંભાડનો ઘટસ્ફોટ જીએસટી વિભાગના અન્ય શહેરોની ટીમોની તપાસ દરમ્યાન થઇ રહ્યો છે. આથી જીએસટી વિભાગના સ્થાનિક અધિકારીઓની કામગીરી સામે વારંવાર પ્રશ્ર્નાર્થની સાથે શંકાના દાયરામાં આવી રહી છે. બીજી બાજુ અગાઉ જામનગરમાંથી ઝડપાયેલા અને ગુજરાતભરમાં ગાજેલા એટલે કે બહુચર્ચિત જીએસટીની કરોડોની ચોરીના કૌંભાડમાં જે અધિકારીઓ શંકાના દાયરમાં આવ્યા હતા અને કેવી રીતે એટલે કે કંઇ મોડસ ઓપરેન્ડીથી તેઓ કામ કરી સરકારી તિજોરીને નુકસાન કરી રહ્યા છે તેની આધાર પુરાવા સાથે વડી કચેરી તથા સરકારના અન્ય સંબધિત વિભાગોને ફરિયાદો કરવામાં આવી હોવા છતાં  તેઓની સામે હજુ સુધી કોઇ શિક્ષાત્મક કે દંડાત્મક પગલાં ન લેવાતા આ મુદો પણ સળગતા સવાલ સાથે ગંભીર તપાસનો વિષય બન્યો છે. શહેરમાં એકાદ મહીના પૂર્વે બ્રાસના ભંગારના વેપારીઓ પર સ્ટેટ જીએસટીની ટીમે દરોડા પાડયા હતાં. જેમાં કરચોરીનું મસમોટું કૌંભાડ ખૂલ્યું હતું. આમ છતાં જીએસટી વિભાગ દ્વારા આ કૌંભાડમાં સંડોવાયેલી પેઢીઓના નામ અને  કરચોરીનો આંકડો જાહેર કરવામાં આવતા આ પ્રકરણ ભીનું સંકેલી લેવામાં આવ્યું કે કેમ તે કોયડા સમાન બન્યું છે. 

જામનગરમાંં જીએસટી ચોરીના દૂષણ વચ્ચે એસજીએસટીની ચાર ટીમ ગઇકાલે  બપોરે દરેડ જીઆઇડીસી ફેસ-૩માં ભંગારની પેઢીઓમાં ત્રાટકી હતી. એસજીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા પેઢીઓમાં ભંગારની ખરીદી અને વેંચાણના બીલ, હીસાબો અન્ય દસ્તાવેજો અને સાહીત્યની ચકાસણી કરી હતી. તપાસનો આ સીલસીલો રાત સુધી ચાલ્યો હતો. તપાસ દરમ્યાન જીએસટીના અધિકારીઓએ શંકાસ્પદ સાહીત્ય અને દસ્તાવેજો જપ્ત કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. આટલું જ નહીં તપાસના અંતે વધુ એક વખત મસમોટું જીએસટીનું કૌંભાડ ખુલાવની શકયતા પણ સૂત્રોએ વ્યકત કરી છે. ટૂંકાગાળામાં સ્ટેટ જીએસટીની ટીમો પુન: તપાસ અર્થે ભંગારની પેઢીઓમાં ત્રાટકતા ઉધોગકારોમાં ભારે દોડધામ મચી ગઇ છે. દરોડના પગલે અમુક ઉધોગકારો તો એકમો બંધ કરી પોબારા ભણી ગયાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે એસજીએસટીની તપાસના અંતે કેટલી કરચોરી ખૂલે છે તે જોવાનું રહ્યું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application