BREAKING NEWS

જામનગર : જનતા ફાટક પાસે ડમ્પર નીચે આવી જતાં યુવકના મોતમાં ચોંકાવનારો ખુલાસો

  • October 06, 2026 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  ↵

જનતા ફાટક પાસે ડમ્પર નીચે આવી જતાં યુવકના મોતમાં ચોંકાવનારો ખુલાસો


જામનગરના જનતા ફાટક પાસે ગઇકાલે બપોરે ડમ્પર હેઠળ આવી જતા એક યુવાનનો ભોગ લેવાયો હતો, બનાવ બનતા આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા, પોલીસની ટીમ અને ૧૦૮ની ટીમ સ્થળ પર પહોંચી હતી, આ બનાવમાં આત્મહત્યાની આશંકા પ્રાથમિક તપાસમાં પોલીસ દ્વારા દર્શાવવામાં આવી છે, ઘટના સ્થળ અને આજુબાજુના સીસીટીવી ફુટેજની ચકાસણી કરવામાં આવી રહી છે. બીજી બાજુ મૃતકના પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે.

જામનગરના જકાતનાકા નજીક પ્રજાપતિ શેરી નંબર-૯માં રહેતા વિજય કાનજીભાઈ ગોહીલ (ઉ.વ.૩૬)  નામનો યુવાન ગઈકાલે બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં જકાતનાકા નજીક ડમ્પર નીચે આવી જતા ક‚ણ મૃત્યુ થયુ હતું, બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા, બીજી બાજુ આ બનાવની જાણ થતાં સીટી-સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.બી. સદાદિયા સહિતની ટીમે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસ દરમિયાન બનાવ અકસ્માતનો નહીં પરંતુ યુવકે ડમ્પર નીચે આવી આપઘાત કર્યો હોવાની આશંકા પોલીસને જણાઈ છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરતાં યુવક એક તરફ બેઠેલો જોવા મળ્યો હતો અને ડમ્પર આવતા અચાનક તેની તરફ દોડી ગયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.

બીજી બાજુ કાનજીભાઇ ગોહિલ દ્વારા સીટી-સી ડીવીઝનમાં મરણજનાર વિજય પોતાની મેળે કોઇ કારણસર ડમ્પર નીચે આવી જતા મૃત્યુ થયાનું પ્રાથમિક નોંધમાં જણાવ્યુ છે, ઉપરાંત પોલીસે સમગ્ર ઘટનાને લઈ વિવિધ પાસાં તપાસવાનું શરૂ કર્યું છે. બનાવ અકસ્માતનો છે કે યુવકે આપઘાત કર્યો છે તે અંગેની ચોક્કસ હકીકત પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. બનાવ અંગે બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ અ.મોત નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

શહેરમાં સવાર-સાંજના નકકી કરેલા સમયગાળા દરમ્યાન ભારે વાહનોને અવર જવરની છુટ આપવામાં આવી છે તેમ છતા નકકી કરેલા સમય સિવાય પણ ભારે વાહનો બેફામ ગતીએ શહેરમાં દોડતા હોવાના અને અકસ્માતના બનાવો સર્જાતા હોવાનું સામે આવી ચુકયુ છે ત્યારે આ દિશામાં પણ લગત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગણી ઉઠવા પામી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application