જામનગર: જ્યાં ગુંજે છે જય ભોલેનાથનો નાદ સોયેલ ગામના સ્વયંભૂ શ્રી સોયેલેશ્ર્વર મહાદેવ
વિશાળ પરિસરમાં હરીને વ્હાલો પીપળો,શિવને વ્હાલા બીલીપત્ર,બન્ને વૃક્ષો આધ્યાત્મિકતામાં કરી રહ્યા વધારો:શ્રાવણ માસના સોમવારે થતી સંધ્યા આરતી દર્શનીય
હાલારની પવિત્ર અને પ્રાચીન શિવભક્તિ પરંપરામાં અનેક એવા દેવસ્થાનો આવેલા છે, જે લોકઆસ્થા, પ્રકૃતિ અને પૌરાણિક માન્યતાઓનું અનોખું મિલન છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાનું સોયેલ ગામ પણ આવા જ એક આસ્થાધામ માટે જાણીતું છે.
સ્વયંભૂ શ્રી સોયેલેશ્વર મહાદેવ.ધ્રોલથી આશરે ૬ કિલોમીટર દૂર આવેલું સોયેલ ગામ જામનગર જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક વિસ્તારનો ભાગ છે. સોયેલેશ્વર મહાદેવનું સ્થાન સ્થાનિક ભક્તોમાં વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર છે.
ભગવાન શિવના સ્વયંભૂ સ્વરૂપ પ્રત્યે હિન્દુ ધર્મમાં વિશેષ આસ્થા રહેલી છે. ભક્તો માને છે કે જ્યાં મહાદેવ સ્વયં પ્રગટ થયા હોય તે સ્થાન અસાધારણ આધ્યાત્મિક શક્તિ ધરાવે છે. સોયેલેશ્વર મહાદેવ પ્રત્યેની સ્થાનિક શ્રદ્ધાનું મૂળ પણ આ જ માન્યતામાં રહેલું છે.
સોયેલ ગામ અને આસપાસના વિસ્તારના શિવ ભક્તો માટે સોયેલેશ્વર મહાદેવ માત્ર મંદિર નથી, પરંતુ પેઢીઓથી ચાલતી આવતી શ્રદ્ધા અને સામૂહિક ધાર્મિક સંસ્કૃતિનું કેન્દ્ર છે.સોયેલેશ્વર મહાદેવ પ્રત્યે સ્થાનિક લોકોમાં અપાર શ્રદ્ધા છે. ભક્તો ભગવાન શિવને જળાભિષેક, બિલ્વપત્ર, ધતૂરા, ફૂલ અને અન્ય પૂજાસામગ્રી અર્પણ કરીને પ્રાર્થના કરે છે.
ધ્રોલ અને આસપાસનો વિસ્તાર ઐતિહાસિક રીતે સમૃદ્ધ રહ્યો છે. જામનગર જિલ્લાના સત્તાવાર ઇતિહાસમાં ધ્રોલ વિસ્તારનો સંબંધ જામ રાવળ અને જાડેજા શાસન સાથે નોંધાયેલો છે. આ સમગ્ર પંથકમાં પ્રાચીન અને લોકઆસ્થાથી જોડાયેલા અનેક શિવસ્થાનો જોવા મળે છે.ધ્રોલ તાલુકાના સોયેલ ગામમાં આવેલું સ્વયંભૂ શ્રી સોયેલેશ્વર મહાદેવ મંદિર હાલારની લોકઆસ્થા અને શિવભક્તિનું અનોખું પ્રતીક છે. સ્વયંભૂ શિવલિંગ તરીકેની માન્યતા, ભક્તોની અતૂટ શ્રદ્ધા આ સ્થાનને વિશેષ બનાવે છે.
સોયેલેશ્વર મહાદેવનું શિવલીંગ જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલું છે. પૌરાણિક આ ધાર્મિક સ્થળનો ઇતિહાસ વર્ષો જૂનો હોવાનું માનવામાં આવે છે, સ્થાનિક લોકવાયકાઓ અનુસાર, આ મંદિરમાં આરતી સમયે ઘણી વખત નાગ દેવતા સ્વયં દર્શન આપવા માટે આવે છે.
સોયેલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં વર્ષો જુનું કાન્હાને વ્હાલું પીપળાનું વૃક્ષ અને શિવને વ્હાલું બિલીનું વૃક્ષ આધ્યાત્મિકમાં વધારો કરે છે શ્રાવણ માસમાં મંદિર પરિસરમાં ગામની મહિલાઓ દ્વારા સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાય છે.ભાદરવા મહિનામાં પિતૃઓની તૃપ્તી માટે પીપળાના વૃક્ષને જલ અર્પણ કરવામાં આવે છે.
તાજેતરમાં ટ્રસ્ટ દ્વારા યજ્ઞ શાળા તથા શિવ ભાવિકો માટે ભોજન બનાવી શકે તે માટે ભોજનલય પણ બનાવવામાં આવેલ છે.પિતૃકાર્ય સહિતના ધાર્મિક કાર્યક્રમો માટે સોયેલ ગામ તેમજ આસપાસના ગામના લોકો પણ અહીં આવે છે.
દર વર્ષે શ્રાવણ મહિનામાં સોયેલેશ્વર મહાદેવ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટે છે. આ આખો મહિનો અહીં વિશેષ પૂજા, શૃંગાર અને મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. મહાશિવરાત્રી પાવન પર્વ પર મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવે છે અને આજુબાજુના ગામોમાંથી હજારો ભાવિકો અહીં દાદાના દર્શન અને આશીર્વાદ લેવા આવે છે. ધ્રોલથી નજીક સોયલ ગામના મુખ્ય માર્ગો સાથે જોડાયેલું છે.
સોયલેશ્ર્વર દાદાનું પ્રાગટ્ય સવંત ૧૭૮૧:
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સોયલ ગામે આવેલું સોયલેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક અને સ્વયંભૂ શિવાલય છે. જામનગર-ધ્રોલ હાઈવેની નજીક આવેલું આ મંદિર ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનું કેન્દ્ર છે.સોયલેશ્વર મહાદેવ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા લગાડવામાં આવેલ બોર્ડમાં સોયેલેશ્વર મહાદેવનો પ્રાગટ્ય સવંત ૧૭૮૧ વૈશાખ સુદ છઠ્ઠ દર્શાવવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application